Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં પાંચ વર્ષની બાળકીનું તાંત્રિકવિધિ માટે અપહરણ કરીને તેનું બલિદાન આપવાનો બનાવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ પાંચ વર્ષીય બાળકીને કાકાના મિત્રએ ભુવાના કહેવાથી બલિ ચઢાવી હતી અને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે હવે એનડીઆરએફની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે.
તાંત્રિકવિધિ માટે બાળકીના બલિદાનની ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે પણ બનાવની સંવેદનશીલતા જોઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નવાખલ ગામની પાંચ વર્ષની તુલસી મંદિરે રમવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. તે ઘરે પરત ન આવતા કુટુંબીઓ ચિંતામાં મૂકાયા હતા. તેઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી, પરંતુ તે ક્યાંય મળી ન હતી. તેથી પરિવારે થાકીહારીને પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકીની તપાસ શરૂ કરી હતી.
પોલીસે પણ ઘટનાનું મહત્વ સમજીને તેની તરત જ શોધ આદરી હતી. તેના પગલે આ કેસમાં શકમંદની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર પર શંકા ગઈ હતી. તેની કડકાઈથી પૂછપરછ કરતાં અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરતાં જ આ આખા હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ પણ આજના યુગમાં આ પ્રકારે તાંત્રિક બલિ માટેના હત્યાકાંડથી ચોંકી ગઈ હતી.
અજય પઢિયારે પોલીસ સમક્ષ કરેલા કબૂલાતનામામાં જણાવ્યું હતું કે તે સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયો હતો. તેણે સંતાન પ્રાપ્તિ માટે બાળકીની બલિ આપવી પડશે તેમ જણાવ્યું હતું. તેથી અજય પઢિયારે તુલસીનું અપહરણ કર્યુ હતુ. તેને ઉમેટા લઈ ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી તેની લાશ સિંઘરોટ નાની નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધી હતી. તેના કબૂલાતનામા પછી પોલીસે બાળકીની લાશ મેળવવા માટે એનડીઆરએફની ટીમ મેદાનમાં ઉતારી છે. પોલીસ આ ઉપરાંત હત્યા માટેની પ્રેરણા આપનારા તાંત્રિકની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/આણંદના ‘અમુલ’માંક્ષી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયાસ સફળ નહીં થાય
આ પણ વાંચો: Anand News/આણંદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 7.42 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો
આ પણ વાંચો: Anand News/આણંદમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ મલેકની છરીના ઘા મારી હત્યા, હુમલાખોર ફરાર
