Sabarkantha News:સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વાહનો પરની ગેરકાયદે ડાર્ક ફિલ્મ હટાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી વિશેષ ડ્રાઇવના પ્રથમ જ દિવસે ચોંકાવનારી ઘટના સામે આવી છે.એક યુવકે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી, તેમના યુનિફોર્મને નુકસાન પહોંચાડ્યું અને નેમપ્લેટ તોડી નાખી. આ ઘટનામાં બે પોલીસકર્મીઓને ઈજાઓ પણ થઈ છે.
પોલીસે કાળા કાચ ધરાવતી એક કારને રોકીને તપાસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી યુવકે આક્રમક વલણ અપનાવ્યું. પોતે આર્મીમાં ફરજ બજાવતો હોવાનો દાવો કરી અને એક પોલીસકર્મીનો ભત્રીજો હોવાનું કહીને યુવકે પોલીસ સાથે ઘર્ષણ સર્જ્યું. બાદમાં તેણે હુમલો કરી બે પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી. આ ઘટનામાં યુનિફોર્મને નુકસાન થયું અને નેમપ્લેટ પણ તૂટી ગઈ.
આરોપીની ઓળખ પોયડા ગામના યશપાલસિંહ ઝાલા તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે, અને પોલીસની આ ડ્રાઇવ દરમિયાન સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
સાબરકાંઠા પોલીસે જણાવ્યું કે, “ડાર્ક ફિલ્મ હટાવવાની ઝુંબેશ નિયમોનું પાલન કરાવવા માટે છે. આવી ઘટનાઓથી અમારું મનોબળ ઘટશે નહીં. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”આ ઘટના બાદ પોલીસે ઝુંબેશને વધુ તીવ્ર કરવાનો નિર્ણય લીધો છે, જેથી ગેરકાયદે ડાર્ક ફિલ્મનો ઉપયોગ રોકી શકાય. સ્થાનિક નાગરિકોને પણ નિયમોનું પાલન કરવા અને અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડબ્રહ્મા-વડાલીમાં ભારે વરસાદ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
