મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરીને વિવાદમાં આવ્યા હતા. હવે તે ફરી પાછા વિવાદમાં આવ્યા છે. તેઓ દુબઈ ગયા હતા અને ત્યાંથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો અને પોતે ત્યાં કેવા પ્રકારનો વિકાસ કરવા માંગે છે તેની વાતો કરી હતી. મોરબીમાં સરકારી જમીન પર કરવામાં આવનારા ડેવલપમેન્ટને લઈને તેમણે વાત કરી હતી. હવે તેઓ ગયા છે દુબઈ અને ત્યાંથી તેમણે મોરબીના ડેવલપમેન્ટની વાતો કરી, મોરબીને કઈ રીતે સુધારવા માંગે છે તેની વાતો કરી. પણ કહેવત છે અવળું પડે ત્યારે બધુ અવળું પડે છે તેમ તેમની ડેવલપમેન્ટની વાત તેમના જ વિસ્તારના લોકોને ખાસ રુચિ નથી.
તેમા પણ છેક કાંતિ અમૃતિયાએ છેક દુબઈથી કરેલી આ પોસ્ટના કારણે લોકો ભડક્યા હતા અને જણાવ્યું હતું કે ભાઈ તમે બીજી વાતો રહેવા દો, પરંતુ ચોમાસામાં ધોવાઈ ગયેલા મોરબીના રસ્તાઓ સરખા કરાવો અને પાણીનો નિકાલ કરાવો તથા બધા વિસ્તારોમાં પૂરેપૂરી ગટર વ્યવસ્થા આપો એટલે અમે ગંગા નાહ્યા. અમારે બીજો કોઈ મોટા વિકાસની જરૂર નથી.
આ બતાવે છે કે દુબઈથી કાંતિ અમૃતિયાએ કરેલી પોસ્ટ અવળી પડી છે. સ્થાનિકોનું કહેવું છે કે કાંતિ અમૃતિયા તો ધારાસભ્ય છે એટલે તેણે દુબઈમાં બેસીને જલસા કરવા છે, પણ અમારે તો મોરબીના રસ્તા પર જ ચાલવાનું છે. તેથી ચોમાસામાં મોરબીમાં રસ્તા પર પડેલા ખાડા છે તેને તે પુરાવે તે પણ બહુ છે. હાલમાં ચોમાસુ છે ત્યારે મોરબીના રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવા પર ધ્યાન આપવાના બદલે કાંતિ અમૃતિયા વિદેશમાં જલસા કરે છે.
ઘણા લોકોએ કાંતિ અમૃતિયાને યાદ અપાવ્યું કે તે જે જમીનની વાત કરે છે તે પાંજરાપોળ માટે રાખવામાં આવી છે, તેની સાથે તેમને કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી. તે કંઈ કાંતિ અમૃતિયાના ઘરની જમીન નથી. હવે જો પાંજરાપોળની જમીન પર તેમનો પ્રોજેક્ટ આકાર લેશે તો પાંજરાપોળમાં છે તે પશુઓ ક્યાં જશે, શું તેઓએ આ માટે કોઈ વ્યવસ્થા વિચારી રાખી છે. તેથી તે જે બોલી રહ્યા છે તે સમજી વિચારીને બોલે.
કેટલાય લોકોએ કહ્યું કે ભાઈ મોરબીની ગટરોના ઠેકાણા નથી તેની વાત કરોને કે આ ગટરોનું કામ ક્યારે કરશો તેની વાત કરો, તેના ટેન્ડર પડી ગયા છે. ક્યાં કેટલા વિસ્તારોમાં ગટરો પૂરી પાડવામાં આવશે તે વાત કરો. બીજી બધી વાત રહેવા દો, તે તમારા કામની નથી. તમારાથી વિકાસ થઈ રહ્યો.
ઘણા લોકોએ કહ્યું કે રસ્તા પર ખાડા હશે તો લગ્નની જાન ક્યાંથી આવશે. તેથી જો તેમણે લગનની જાન લાવી હોય તો તે પહેલાં રસ્તા પર ખાડા પૂરા કરો. તેના પછી તે રસ્તા પર પસાર થઈને લગનની જાન આવી શકશે.
કેટલાય લોકોએ તો મોરબીવાસીઓ ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે, ખરાબ રસ્તાના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય આ સમસ્યાનો નીવેડો લાવવાના બદલે દુબઈમાં જલસા કરે છે તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે હાડમારીમાં પ્રજાની સાથે રહેવાના બદલે કાંતિ અમૃતિયા દુબઈ તો ગયા, પણ જો તેમણે પોસ્ટ કરી ન હોત તો કોઈને ખબર પણ ન હોત. પણ તેમણે દુબઈથી પોસ્ટ કરતાં કેટલાય લોકો તેમના પર ગીન્નાયા છે. તેમા પણ મોરબીની વર્તમાન હાલતમાં તેમની પોસ્ટે જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.
કેટલાય લોકોએ તો કાંતિ અમૃતિયાને રીતસરની ચીમકી જ આપી દીધી છે કે ભાઈ હવે તું દુબઈમાં જ રહે, પાછા આવવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં પણ તારી સાથે વિસાવદરવાળી જ થશે. જ્યારે પ્રજા વીફરે છે ત્યારે તે ભલભલા ચમરબંધીને પણ અહેસાસ અપાવી દે છે કે તે ગમે તેટલો હવામાં ઉડે, પણ તેની હવા કેવી રીતે કાઢી નાખવી તે પ્રજાને આવડે છે.
કેટલાય લોકોએ કાંતિ અમૃતિયા પર કટાક્ષ કરતાં કાયમ માટે દુબઈવાસી થવાની અને ત્યાં જ ધંધોપાણી સેટ કરી દેવાની પણ સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ભાઈ હવે તું આરબ શેખોને જ ત્યાં કામ કર તારી અહીં જરૂર નથી. આ તો મોરબીનો પુલ તૂટ્યો ત્યારે લોકોના જીવ બચાવવા માટે તે નદીમાં કૂદકો માર્યો તે જોઈ મોરબીની માયાળુ પ્રજા છેતરાઈ ગઈ. તે આ એક જ કૂદકાના આધારે રાજકારણમાં બહુ કૂદકા મારી લીધા. હજી બે વર્ષ બાકી છે અને તેમા જેટલા કૂદકા મારવા હોય તેટલા કૂદકા મારી લે. છેલ્લો કૂદકો અમે મારીશું. પછી તું કોઈ કૂદકા મારવા લાયક નહીં રહે.
કાંતિ અમૃતિયાને પણ હવે વસવસો થતો હશે કે ક્યાં દુબઈથી પોસ્ટ કરી, બાકી તે દુબઈ ગયા તેની પણ કોઈને ખબર ન હતી. ઘણી વખત ધારાસભ્ય કયા સંજોગોમાં પોસ્ટ કરે છે તેની તેને ખબર હોતી નથી અને આના કારણે કેવી રીતે ઓડનું ચોડ વેતરાઈ જાય છે તેનું ઉદાહરણ કાંતિ અમૃતિયા છે. આ પોસ્ટના કારણે લોકો તેને અત્યારથી જ વિસાવદરવાળીની ધમકી આપવા માંડ્યા છે. તે જોતાં કાંતિ અમૃતિયાની કદાચ છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની રહે તો પણ નવાઈ નહીં લાગે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
