Surat News : સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારી સાથે 2.68 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેપારીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ નામના એજન્ટે કરોડોનું રોકાણ કરાવ્યું અને પછી પૈસા પચાવી પાડ્યા. જ્યારે વેપારીએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપીએ તેને યુકેથી ભારતના કોઈપણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવાની ધમકી આપી સાથે અમદાવાદમાં રહેતા માતા-પિતાના ઘરે જવાની પણ ધમકી આપી.
આખરે, વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે આરોપી પ્રતીકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.અડાજણ પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, વિશાલ નગર એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય જીગર તુષારભાઈ શાહ, જેઓ વિદેશમાં કિચન અને બાથરૂમની સામગ્રીનો વેપાર કરે છે, તેમનો પરિચય તેમના એક મિત્ર મારફતે પાલ વિસ્તારના પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ સાથે થયો હતો. નિશાલ આર્કેડમાં પ્રતિક ‘વૈષ્ણોદેવી સેલ્સ’ નામથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનો દાવો કરતો હતો.
પ્રતિકે જીગરભાઈને લોભામણી વાતોમાં ફસાવ્યા. ‘અમે એજન્ટ તરીકે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરીએ છીએ, એમ તેણે જીગરભાઈને કહ્યું હતું. જો તમે અમારી સાથે રોકાણ કરો તો ઘર બેઠા સારો એવો નફો થશે.’ પ્રતિકે પોતાની આ વાતોમાં વિશ્વાસ જમાવવા માટે જીગરભાઈને જણાવ્યું કે તેને હાલ 3 કરોડ રૂપિયાની જરૂર છે અને જો તેઓ રોકાણ કરશે તો તે વિદેશથી કાફે અને હોટલમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ મંગાવી અહીં સપ્લાય કરશે. તેમાંથી થતા નફામાંથી પોતાની ટકાવારી કાપી બાકીનો નફો જીગરભાઈને પરત આપશે.
પ્રતિકની વાતોથી પ્રભાવિત થઈ જીગરભાઈએ 31 મે 2023ના રોજ 30 લાખ રૂપિયાનું પ્રારંભિક રોકાણ કર્યું. આ રોકાણ બાદ પ્રતિકે એક મહિના પછી વિશ્વાસમાં લેવા માટે 4% નફા સાથે 1.20 લાખ રૂપિયા પરત આપ્યા. આ કૃત્યથી જીગરભાઈનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો અને તેઓ મોટા પાયે રોકાણ કરવા માટે સંમત થયા. જોકે, જીગરભાઈએ જ્યારે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું લાયસન્સ માંગ્યું ત્યારે પ્રતિકે ગલ્લાતલ્લા કર્યા અને કહ્યું કે, ‘ચિંતા ન કરો, હાલમાં મારી પાસે લાયસન્સ નથી પણ આવતાં-જતાં હું તમને બતાવી દઈશ.’
આ રીતે વિશ્વાસમાં લીધા બાદ પ્રતિકે જીગરભાઈ પાસેથી ટુકડે-ટુકડે કુલ 2.68 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું. બે વર્ષ વીતી ગયા બાદ પણ જ્યારે જીગરભાઈએ તેમના પૈસા અને હિસાબ માંગ્યો, ત્યારે પ્રતિકે ખોટા વાયદાઓ આપવાનું શરૂ કર્યું. તેણે જુદા જુદા બહાના કાઢી સમય પસાર કર્યો, જેમ કે ‘પૈસા ધંધામાં રોકાયેલા છે,’ ‘વિદેશથી માલ આવી ગયો છે અને ગોડાઉનમાં પડ્યો છે,’ અને ‘અમુક માલ કન્ટેનર અને ગાડીમાં લોડ થઈને આવી રહ્યો છે.’ તે જીગરભાઈને માલના ખોટા ફોટા પણ મોકલતો હતો.
વારંવાર પૈસાની માંગણી કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા જીગરભાઈને શંકા ગઈ. જ્યારે તેમણે વધુ દબાણ કર્યું, ત્યારે પ્રતિકે પોતાનો અસલી ચહેરો બતાવ્યો. તેણે પૈસા પરત ન આપવા પડે તે માટે જીગરભાઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. પ્રતિકે જીગરભાઈને ધમકી આપી કે જો તેઓ પૈસાની માંગણી કરશે તો તેમને યુકેથી ભારતના કોઈપણ એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત, તેણે અમદાવાદમાં રહેતા જીગરભાઈના માતા-પિતાના ઘરે જવાની પણ ધમકી આપી.
આખરે, નિરાશ થઈ જીગરભાઈએ ગતરોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં પ્રતિક ઉર્ફે રાહુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી પ્રતીકની ધરપકડ કરી છે.
