Lifestyle: મોટાભાગે લોકોને ફૂડ આઇટમ્સ (Food) અને દવાઓ (Medicines)ની એક્સપાયરી ડેટ (Expiry Date) અંગે જાણકારી હોય છે અને એ વિષયમાં તેઓ અચૂક જાગૃત રહેતા જોવા મળે છે. પણ શરત મારીને કહી શકાય કે, નેવું ટકા લોકો એ નહિં જાણતા હોય કે, તમારા રસોડામાં રાખેલા અમુક વાસણો (Utensils) પણ એક્સપાયર (Expire) થાય છે!! જો તમે પણ આ જાણતા નથી તો આ લેખ તમારા માટે છે. આપણા કિચન (Kitchen)માં એવા ઘણા વાસણો હોય છે જેમને સમયસર બદલવાનું અત્યંત જરુરી બની જાય છે. તમારા રસોડામાં આવા 6 વાસણો હાજર હશે જેનો વપરાશનો ગાળો સીમિત હોય છે અને અમુક સમય સુધી વાપર્યા બાદ, એમને બદલી નાખવા જરુરી બની જાય છે.
આહાર એ તંદુરસ્તીનો પાયો ગણાય છે પરંતુ, હૅલ્થ (Health) માટે જાગૃત લોકો પણ વાસણો અંગેની આ બાબત કદાચ નહિં જાણતા હોય! જે વાસણોમાં આપણે ભોજન રાંધીએ છીએ અને રસોઇ માટે વાપરીએ છીએ એ રોજબરોજના આપણા આ સાથીને પણ સવેળાએ વિદાય કરવામાં જ ભલાઇ છે. ઘણી વાર, અમુક વાસણોને આપણે વરસોવરસ વાપર્યા જ કરીએ છીએ અને 10-15 કે પછી 20 વર્ષ સુધી પણ વિદાય આપવાનો જીવ ચાલતો નથી!
તમે એ જાણીને ચોંકી જશો કે, વર્ષો સુધી એકનું એક વાસણ વાપર્યા કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે! અહિં એ ઉલ્લેખનીય છે કે, વાસણોની ઉંમર એમના ચળકાટથી નહિં પણ એની બનાવટમાં વપરાયેલી સામગ્રી અને એને વાપરવાની રીત પરથી નિર્ધારિત કરવી જોઇએ. અહિં, અમે એવા છ વાસણો વિશે જણાવીશું કે જેમને સમયસર બદલી દેવામાં જ ભલાઇ છે.
1. એલ્યુમિનિયમના વાસણો
સોંઘા અને હલકા હોવાને કારણે એલ્યુમિનિયમ (Aluminium)ના વાસણોનો વપરાશ ઘણો થાય છે પરંતુ, એમને વાપરતા પહેલા એટલું જાણી લેવું જોઇએ કે, એલ્યુમિનિયમ એક રિએક્ટિવ ધાતુ (Reactive Metal) છે અને એમાં ખાટી વસ્તુઓ જેવી કે, ટમેટા, લીંબુ, આમલી વગેરે ધરાવતો ખોરાક રાંધવામાં આવે તો એ આહારમાં ભળીને તમારા પેટમાં જઇ શકે છે. આની અસરથી તમારી યાદશક્તિ (Memory) અને માનસિક સ્વાસ્થ (Mental Health) પણ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. આથી, આવી વસ્તુઓ એમાં ન બનાવવી જોઇએ. 5-6 વર્ષે એલ્યુમિનિયમના વાસણોને બદલીને નવા લાવવા જોઇએ અથવા તો સ્ટેઇનલેસ સ્ટીલના વાસણો વાપરવા જોઇએ.

2. નૉન-સ્ટિક ફ્રાઇંગ પૅન
આજના મોર્ડન યુગમાં આ વાસણ તો તમામ ઘરોમાં જોવા મળશે જ! પરંતુ, શું તમે જાણો છો કે સુંદર દેખાતા આ વાસણોનું કોટિંગ નીકળીને તમારા ખોરાકમાં ભળી શકે છે જે સ્વાસ્થ્ય માટે જરાય ઠીક નથી. તેથી જ્યારે પણ નૉન-સ્ટિક (Non-Stick) પૅનનું કોટિંગ ખરાબ થયેલું જણાય અથવા એની ઉપર સ્ક્રેચ પડવા લાગે ત્યારે તમારે સમજી લેવું કે, એને બદલવાનો સમય આવી ગયો છે. તમે એમને 1 થી 2 વર્ષે બદલી શકો છો.

3. પ્રેશર કૂકર અને એનું ગાસ્કેટ
પ્રેશર કૂકર એ રસોડાનું અત્યંત ઉપયોગી સાધન છે. સીટી અને ગાસ્કેટથી એ સુરક્ષિત હોય છે. સમય જતા, કૂકર (Cooker)ના ઢાંકણા પર લાગેલી ગાસ્કેટ (Gasket) ઢીલી પડી જાય છે જેને કારણે, કૂકર બરાબર કામ આપતુ નથી અને જમવાનું બનાવવામાં તકલીફ થાય છે અને સમય પણ લાગે છે. એથીયે મોટી બાબત તો સુરક્ષાને લગતી છે. ગાસ્કેટને દર 6 થી 12 મહિનાની અંદર અવશ્ય બદલી નાખવી જોઇએ અને કૂકર જો બરાબર કામ ન આપતુ હોય તો, 5 થી 8 વર્ષની અંદર બદલીને નવું લઇ લેવું જોઇએ.

4. પ્લાસ્ટિક બોર્ડ અને સિલિકૉન સ્પૅચ્યુલા
આ બંને વસ્તુઓ પણ રસોઇ દરમિયાન વપરાશમાં આવતી જ હોય છે. પરંતુ, જ્યારે સિલિકૉન સ્પેચ્યુલા (Silicone Spatula) ખરબચડી થવા લાગે અને પ્લાસ્ટિક બોર્ડ પર છરીના નિશાન પડે છે ત્યારે એમાં બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોના વિકાસનો ખતરો ઊભો થાય છે. ગમે તેટલી વાર ધોવાથી પણ એ દૂર થતા નથી. આથી જ 2-4 વર્ષે આ બંને વસ્તુઓને બદલી નાખવી જોઇએ.
5. સ્ક્રબર અને સ્પૉન્જ
વાસણોને સાફ કરવા માટેના સ્ક્રબર અને સ્પૉન્જ (Sponge)ની સૌથી વધારે અવગણના કરવામાં આવે છે. એમને દર બે થી ચાર અઠવાડિયામાં બદલી દેવા યોગ્ય છે. સ્પૉન્જ તદ્દન સોફ્ટ હોય છે અને આથી જ એમાં ખોરાકના કણો ચોંટી રહેવાની સંભાવના રહેલી હોય છે. જેના કારણે બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોના વિકાસનો ખતરો ઊભો થાય છે. એક જ સ્પૉન્જ ઘણા દિવસો સુધી વાપર્યા કરવાથી એ વાસણો પર ચોંટી શકે છે અને ફરીથી તમારા ભોજનમાં ભળી શકે છે.

6. છરી-ચપ્પા અને પીલર
રસોડામાં સૌથી નાના પણ સૌથી આવશ્યક એવા ઓજારોમાં, ચપ્પુ (Knife) અને પીલર (Peeler) બંનેનો સમાવેશ થાય છે. નવા હોય ત્યાં સુધી એમને વાપરવાનું ઘણું ગમે છે પરંતુ, સમય જતા એમની ધાર ઓછી થઇ જાય છે અને વાપરવાનું અગવડભર્યું કે પછી જોખમી બની જાય છે. આવા સંજોગોમાં, ચપ્પુને 5 થી 10 વર્ષે અને છોલવા માટેના પીલરને દર બીજા વર્ષે બદલીને નવા લઇ આવવા જોઇએ અથવા જો તમે ઇચ્છો તો એમની ધાર પણ કઢાવી શકો છો.Did you know that
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!
