World News : પ્રશાંત મહાસાગરમાં 230 કિમી/કલાકની ઝડપે આવી રહેલું ‘રગાસા’ નામનું સુપર ટાઇફૂન થાઈલૅન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં તબાહી મચાવવા તૈયાર છે. 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ વાવાઝોડું 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે પાંચેય દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટ્સ, શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવાયા છે અને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.
18 સપ્ટેમ્બરે ફિલિપાઇન્સ પાસે શરુ થયેલું ઓછું દબાણનું ક્ષેત્ર 21 સપ્ટેમ્બર સુધીમાં ‘રગાસા’ (નાન્ડો) સુપર ટાઇફૂનમાં ફેરવાઈ ગયું. આ વાવાઝોડું 22 સપ્ટેમ્બરે લુઝોન સ્ટ્રેટ પાર કરીને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનના સાગરમાં પ્રવેશ કરશે અને હોંગકોંગ-થાઈલૅન્ડ તરફ આગળ વધશે. 24 સપ્ટેમ્બર સુધીમાં તે નબળું પડી જશે.
ફિલિપાઇન્સની હવામાન એજન્સી અને હોંગકોંગની વેધશાળા અનુસાર, કેટેગરી-4ના સુપર ટાઇફૂન રગાસાને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાક (115 માઈલ/કલાક)ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. 230 કિલોમીટર પ્રતિ કલાક (145 માઈલ/કલાક)ની ઝડપવાળા પવનોના ઝાપટાં આવી શકે છે. દરિયાની સપાટીના 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવા અને ઓછા વિન્ડ શિયરને કારણે વાવાઝોડાને વધુ મજબૂતી મળી છે.
હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાવાઝોડાને કારણે 500થી વધુ ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. મંગળવાર અને બુધવારે શાળાઓ બંધ રહેશે અને હોંગકોંગ એક્સચેન્જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દરમિયાન ઉત્તરીય ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પર અનેક લોકો ફસાયા હતા. જેમાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મનિલા સહિત અનેક પ્રાંતોમાં સરકારી કામકાજ અને શાળાઓ બંધ છે, અને ભારે વરસાદથી પૂર અને માળખાકીય નુકસાન થવાની ભીતિ છે.
આ વાવાઝોડાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે અને 50,000થી વધુ લોકો બેઘર થયા છે. 500 મિલિયન ડોલર સુધીનું પાકનું નુકશાને નુકશાન થઈ ચૂક્યું છે.
જોઈન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર, ‘રગાસા’ વાવાઝોડું 22 સપ્ટેમ્બર સુધી તાઇવાનને અસર કરશે. તાઇવાનની CWA એજન્સીએ બાશી ચેનલ પાસે વાવાઝોડું વધુ મજબૂત બનવાની ચેતવણી સાથે ફ્લાઇટ્સ રદ કરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી આપી છે.
વાવાઝોડું 24 સપ્ટેમ્બર સુધીમાં હોંગકોંગ પહોંચશે, જ્યાં 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર સાથે પવનનો ખતરો છે. 23-24 સપ્ટેમ્બર દરમિયાન તે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરશે અને ગ્વાંગડોંગમાં લૅન્ડફોલ કરી શકે છે. વિયેતનામમાં પણ તોફાની પવનો અને ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાને કારણે વીજળી અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે.
જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટર (JTWC) અને હોંગકોંગ ઓબ્ઝર્વેટરી (HKO) અનુસાર, ટાઇફૂન રગાસાની અસર પૂર્વ એશિયાના દેશો પર પડશે. ભારતમાં તેના પહોંચવાની કોઈ શક્યતા નથી. ભારતના સમુદ્ર તરફ તેનો માર્ગ ન હોવાને કારણે તેની કોઈ સીધી અસર પણ નહીં થાય. પ્રશાંત મહાસાગરના ટાઇફૂન રગાસા જે ભાગમાં સક્રિય છે, તે ભારતથી 3000-4000 કિલોમીટર દૂર છે, ભારતના પૂર્વ કિનારાના ઓડિશા કે અંદામાન-નિકોબારથી પણ તે ઘણો દૂર છે.
આ પણ વાંચો:શું ભારત પર હજુ વધારે પ્રતિબંધો લાદશે ટ્રમ્પ? તેને કહ્યું હા, હું તૈયાર છું
આ પણ વાંચો:ભારતીયો ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં, ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો
આ પણ વાંચો:ટ્રમ્પનો સ્વર બદલાયો,’મોદી અને હું હંમેશા મિત્રો રહીશું’, PM મોદીએ કરી પોસ્ટ
