Ahmedabad News : અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ ત્રણ મહિનાનું બાળક પેટમાં હોવા છતાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવનનો ટૂંકાવ્યું છે. સાસરિયાંના લોકો દહેજ માટે માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતકનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો છે તેમજ મૃતક મહિલાનાં પરિવારજનોએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ત્રણ લોકો સામે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
તેમજ મોનિકાએ જેના પણ ત્રાસથી આત્મહત્યા કરી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પરિવારજનોએ માગ કરી છે.અશોકભાઈ નાઇ નામની વ્યક્તિની ચાર દીકરીની પૈકી ત્રીજા નંબરની દીકરી મોનિકા હતી. અશોકભાઈએ પરિવાર મોટો હોવાથી આજથી 6 મહિના પહેલાં ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને મોનિકાના લગ્ન દિલીપ શ્રીવાસ સાથે કરાવ્યા હતા.
લગ્ન થયા બાદ મોનિકા પોતાના સાસરિયાંમાં જતી રહી હતી, પરંતુ થોડા સમયમાં જ પતિ સહિત સાસરિયાં પક્ષના લોકો મોનિકાને માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતકનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.મૃતક મોનિકાનાં પરિવારજનોનું કહેવું છે કે મોનિકાને પતિ દિલીપ સહિત સાસરિયાંના લોકો દહેજ આપવા માટે માનસિક ત્રાસ આપતા હતા, પરંતુ પિતા પાસે સાસરિયાંના લોકો માગે એટલું દહેજ આપી શકે એવી ક્ષમતા નહોતી, જેથી મોનિકા છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતી હતી.
આખરે 26 સપ્ટેમ્બરે મોનિકાએ સાસરિયાંના દહેજના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મોનિકાને પેટમાં ત્રણ મહિનાનું બાળક હોવા છતાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. મૃતક મોનિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ ખસેડવવામાં આવ્યો છે.
મૃતક મોનિકાના પિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન થયાના થોડા સમય બાદ સાસરિયાં પક્ષના લોકો દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોનિકાના પતિ દિલીપ શ્રીવાસ (નાઈ), સાસુ કિરણબેન તેમજ નણદોઈ રવિના ત્રાસથી કંટાળીને મોનિકાએ આત્મહત્યા કરી હોવાની મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૃતક મોનિકાના કાકા રાજેશભાઈએ જણાવ્યું હતું કે દહેજની માગણી કરતા હોવાથી આખરે મારી ભત્રીજીએ કંટાળી આત્મહત્યા કરી લીધી છે. અવારનવાર પૈસાની માગણી કરવામાં આવતી હતી, પરંતુ મારા ભાઈને ચાર દીકરી છે મોનિકા એ ત્રીજા નંબરની દીકરી હતી. ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને મારા ભાઈએ 6 મહિના પહેલાં લગ્ન કરાવ્યા હતા અને ગઈકાલે ભત્રીજીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, પરંતુ સાસરિયા પક્ષના લોકો પૈસા માટે મારી ભત્રીજીને ખૂબ માનસિક ત્રાસ આપતા હતા.
મારી ભત્રીજીના પેટમાં ત્રણ મહિનાનું બાળક હતું છતાં પણ તેને આત્મહત્યા કરી દીધી છે. મોનિકાનો પતિ, તેની સાસુ, દિયર, નણદ અને નણદોઈ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. અમને ન્યાય મળે અને જે લોકોના કારણે મારી ભત્રીજીએ આત્મહત્યા કરી છે તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.
આ પણ વાંચો:મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી
આ પણ વાંચો:કેમ યુવાનોમાં વધ્યું ‘OG મંડલી’નું આકર્ષણ?, પારંપારિક ગરબામાં..
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ
