Ahmedabad News/ સાયબર ક્રાઈમ : સિવિલ હોસ્પિટલના નામે ઠગાઈ કરનારા 3 ઝડપાયા

પોલીસે સાયબર  ક્રાઈમ (Cyber Crime)ના આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
પોલીસે સાયબર  ક્રાઈમ (Cyber Crime)ના આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સિવિલ હોસ્પિટલના નામે કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર ગેંગનો અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ (Cyber Crime) બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ તરીકે ઓળખ આપી, બનાવટી ટેન્ડર અને ખરીદીના દસ્તાવેજો મોકલી એક કંપની પાસેથી કુલ ₹9.60 લાખ પડાવી લીધા હતા. પોલીસે સાયબર  ક્રાઈમના આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સિવિલ હોસ્પિટલના અધિકારી તરીકેની ઓળખ આપીને સાયબર ક્રાઇમ (Cyber Crime) કર્યું

સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા મોબાઇલ નંબર પરથી કેટલાક લોકોએ પોતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. ફરિયાદીની કંપનીને હોસ્પિટલમાં 2,000 ડીસ્પોઝેબલ બેગ (Disposable Bag)સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ અપાવવાની ખાતરી આપી હતી.

વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ફરિયાદીને સિવિલ હોસ્પિટલના લેટરહેડ પર તૈયાર કરાયેલા બનાવટી ટેન્ડર ફોર્મ, પરચેઝ ઓર્ડર, કર્મચારીનું ફેક આઈડી કાર્ડ અને અન્ય સત્તાવાર દેખાતા દસ્તાવેજો મોકલ્યા હતા. એટલું જ નહીં, ગુગલ મીટ દ્વારા બેઠક યોજી અને સિવિલ હોસ્પિટલના નામનું નકલી ઇ-મેઇલ આઈડી બનાવી વધુ વિશ્વાસ ઉભો કર્યો હતો. આરોપીઓમાંથી એક વ્યક્તિ તો હોસ્પિટલના કર્મચારી બની ફરિયાદીની ઓફિસ સુધી પણ પહોંચ્યો હતો.

કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે ZED સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, GEM પોર્ટલ પર OEM સર્ટિફિકેટ, NSIC સર્ટિફિકેટ તેમજ અન્ય પ્રોસેસિંગ ચાર્જના નામે અલગ-અલગ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ વિશ્વાસમાં આવી કુલ ₹9.60 લાખ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. બાદમાં કોન્ટ્રાક્ટ ન મળતા અને આરોપીઓનો સંપર્ક તૂટતા પોતે છેતરાયા હોવાનું સમજાયું અને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો.

ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ વિશ્લેષણ, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ નંબર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની ઓળખ થઈ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી તેમની ધરપકડ કરવામાં આવી.

પકડાયેલા આરોપીઓમાં રાહુલ શર્મા (ઉંમર 29), હાલ કુબેરનગર, અમદાવાદ, મૂળ અલવર (રાજસ્થાન), વિપુલસિંહ તોમર (ઉંમર 30), હાલ નરોડા, અમદાવાદ, મૂળ મૈનપુરી (ઉત્તર પ્રદેશ) અને અમન કુશવાહા (ઉંમર 26), હાલ કુબેરનગર, અમદાવાદ, મૂળ ભિંડ (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

તપાસમાં સામે આવ્યું કે રાહુલ શર્મા સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો. તેણે ફેક સિમકાર્ડ, બેંક ખાતાં, નકલી ઇ-મેઇલ આઈડી અને AI ટેક્નોલોજીની મદદથી સિવિલ હોસ્પિટલના લેટરહેડ, સીલ-સિક્કા, કર્મચારી આઈડી કાર્ડ અને ખરીદી સંબંધિત દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેણે ફરિયાદી સાથે “રાજેશ રાવલ” નામના ખરીદી વિભાગના અધિકારી તરીકે વાતચીત કરી હતી.

વિપુલસિંહ તોમરે પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરાવ્યો હતો. ફરિયાદી પાસેથી આવેલા ₹7.45 લાખ પોતાના ખાતામાં મેળવી ચેક મારફતે ઉપાડી લીધા હતા અને કમિશન રાખીને બાકીની રકમ સહઆરોપીઓને પહોંચાડી હતી.

અમન કુશવાહાએ ફરિયાદી સાથે “શૈલેષ સિંહ” નામે AMC અધિકારી તરીકે વાતચીત કરી હતી. તેણે ટેન્ડર માટે જરૂરી વિવિધ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરવાના બહાને ફરિયાદીને પૈસા ભરાવવા પ્રેરિત કર્યો હતો અને સમગ્ર કૌભાંડમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ સામે અગાઉ પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો. ઉપરાંત ચાંગોદર વિસ્તારમાં રહેતા અન્ય એક વ્યક્તિ સાથે ₹18.31 લાખથી વધુની છેતરપિંડી (Fraud) કર્યાનો ગુનો પણ નોંધાયો છે, જેમાં તેમની ધરપકડ બાકી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અન્ય લોકો સાથે પણ અંદાજે ₹5 લાખથી વધુની છેતરપિંડી (Fraud)કરી હોવાના પુરાવા મળ્યા છે.

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ (Cyber Crime) બ્રાન્ચ હવે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ડેટા અને અન્ય રાજ્યોમાં તેમના સંપર્કોની પણ તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ સરકારી વિભાગોના નામે નકલી ટેન્ડર અને AIથી તૈયાર કરાયેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને દેશના અન્ય વેપારીઓને પણ નિશાન બનાવતી હતી. તેથી વધુ ફરિયાદીઓ સામે આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


આ પણ વાંચો : માત્ર એક ઇ-મેઇલથી અમરેલી પોલીસે ફરિયાદ નોંધી કરી કાર્યવાહી, NRIને સાયબર ફ્રોડમાં ગુમાવેલી 11 લાખની રકમ પરત અપાવી

આ પણ વાંચો : પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ