Municipal Corporation Election 2026 Officer List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-2026 માટે વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપતા અધિકારીઓની નિમણૂક જાહેર કરી છે. 24 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ રાજ્યના તમામ મુખ્ય શહેરો માટે ચૂંટણી અધિકારી (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) ની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિમણૂક
ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડેલા આ આદેશમાં ભારતના સંવિધાનના અનુચ્છેદ 243-K અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ વરણી કરવામાં આવી છે.
Municipal Election 2026: કયા શહેરો માટે લિસ્ટ જાહેર થયું?
રાજ્યની આ મહત્વની યાદીમાં તમામ મોટી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનો સર્વગ્રાહી સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા મુખ્ય મહાનગરોનો સમાવેશ થાય છે, જ્યારે નગરપાલિકાઓમાં આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવા મહત્વના શહેરોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીને વેગ આપવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે.
વહીવટી અધિકારીઓને મોટી જવાબદારી
રાજ્યના મહેસૂલ અને પંચાયત વિભાગના અનુભવી અધિકારીઓને વોર્ડ વાઈઝ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે અંતર્ગત ડેપ્યુટી કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સ્તરના અધિકારીઓ ચૂંટણી અધિકારી (RO) તરીકે સમગ્ર પ્રક્રિયાનું મુખ્ય સંચાલન કરશે. તેમની સાથે મામલતદાર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીઓને મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ઉમેદવારી ફોર્મની ચકાસણીથી લઈને મતદાન પ્રક્રિયા સુધીની તમામ કામગીરીમાં સક્રિયપણે મદદ કરશે.
હવે ગમે ત્યારે વાગી શકે છે ચૂંટણીના નગારા
આ આદેશની નકલ મુખ્ય સચિવ અને રાજ્યના તમામ કલેક્ટરોને રવાના કરી દેવામાં આવી છે. અધિકારીઓની નિમણૂક થતા હવે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ મતદાનની તારીખોની જાહેરાત કરી શકે છે. સરકારી ગેઝેટમાં આ યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે વહીવટી તંત્ર ચૂંટણી મોડમાં આવી ગયું છે.




આ પણ વાંચો: 55% મતદાન બાદ બાંગ્લાદેશમાં BNP 175 બેઠકો પર આગળ, જમાત 30 બેઠકો પર આગળ
આ પણ વાંચો: મુંબઈનો રાજા કોણ ? BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાન ચાલુ
આ પણ વાંચો: અમદાવાદ શહેર-જિલ્લાના મત વિસ્તારોમાં તા. 7મી ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે
