Ahmedabad News : ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા ઝૂંબેશ-SIR અંતર્ગત એન્યુમરેશન ફોર્મ પરત જમા કરાવવાની સમયમર્યાદા તા. 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેના અનુસંધાને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી રવિવાર તા. 7મી ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી જિલ્લાનાં તમામ 5524 મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
વિશેષ કેમ્પ ના આયોજન મારફતે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) શરૂ કરવામાં આવી છે, ત્યારે શહેર-જિલ્લાના 21વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદી માંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવાર તા. 7ના રોજ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં મતદારોને SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મળી રહેશે તેમજ ભરેલા ફોર્મ પરત જમા પણ કરાવી શકાશે. જેથી શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.

