National News/ મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો

મોંઘવારી (Inflation)માં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે

Top Stories India
મોંઘવારી (Inflation)માં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે

National News :  દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી (Inflation)માં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડ, ડુંગળી, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક તરફ હવામાનની અનિશ્ચિતતા અને ઓછું વાવેતર ચિંતાનો વિષય બન્યું છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કોમોડિટીના ભાવ વધવાથી સ્થાનિક બજાર પર પણ તેની અસર પડી રહી છે.

એક સપ્તાહમાં ખાંડ 7 રૂપિયા મોંઘી

ખાંડના ભાવ (Sugar Price)માં તાજેતરના દિવસોમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સપ્તાહમાં ખાંડના ભાવમાં આશરે રૂ.7 પ્રતિ કિલોનો વધારો થયો છે, જ્યારે એક મહિનામાં વધારો લગભગ રૂ.17 સુધી પહોંચ્યો છે. હાલ કેટલાક બજારોમાં ખાંડનો ભાવ રૂ.70 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે.

ભાવ વધારા પાછળ સંગ્રહખોરીની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી ખાંડના સ્ટોક અને આયાતને લઈને પગલાં લેવામાં આવ્યા છે. સરકારનો હેતુ બજારમાં પુરવઠો વધારીને ભાવ પર નિયંત્રણ લાવવાનો છે.

ડુંગળીના ભાવમાં પણ વધારો

ડુંગળીના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં વધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.34.87થી વધીને રૂ.40.79 પ્રતિ કિલો થયો છે.

દક્ષિણ ભારત તેમજ મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબના કારણે ખરીફ ડુંગળીની આવક પર અસર પડી છે. આવકમાં ઘટાડો થાય ત્યારે બજારમાં પુરવઠો ઓછો પડે છે અને તેની સીધી અસર ભાવ પર પડે છે.

ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાની દિશામાં આગળ વધી રહી છે.

દાળના ભાવમાં પણ ધીમે ધીમે વધારો

નબળા અથવા અનિયમિત ચોમાસાની અસર કઠોળના વાવેતર પર પણ પડી છે. તુવેર, મગ, અડદ અને ચણા જેવી દાળના ભાવમાં પ્રતિ કિલો આશરે રૂ.1થી રૂ.2નો વધારો (Price Hike)જોવા મળ્યો છે.

ચાલુ સિઝનમાં કઠોળનું વાવેતર અગાઉની સરખામણીએ આશરે 35 હજાર હેક્ટર ઘટ્યું છે. તુવેરના વાવેતરમાં પણ લગભગ 1.69 લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવાયું છે. જો ઉત્પાદન અને બજારમાં આવક પર તેની અસર પડે તો આગામી દિવસોમાં દાળના ભાવ પર વધુ દબાણ આવી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારની અસરથી ખાદ્ય તેલ મોંઘું

ખાદ્ય તેલના ભાવમાં વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પણ મહત્વની છે. પામ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારો (Price Hike)થતાં ભારતીય બજારમાં તેની અસર જોવા મળી રહી છે.

ઇન્ડોનેશિયામાં હવામાન સંબંધિત મુશ્કેલીઓના કારણે પામ ઓઇલના ઉત્પાદન અંગે ચિંતા વધી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધની અસર સૂરજમુખી તેલના વૈશ્વિક વેપાર પર પણ પડી રહી છે.

ભારતમાં છેલ્લા એક મહિનામાં સીંગતેલ, સરસવ તેલ અને અન્ય ખાદ્ય તેલના ભાવમાં આશરે 2થી 3 ટકાનો વધારો (Price Hike)નોંધાયો છે.


આ પણ વાંચો : ખાંડથી પેટ્રોલ સુધી મોંઘવારી, E20 નીતિ પર કોંગ્રેસના સવાલ

આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું

આ પણ વાંચો : મોંઘવારીએ વધારી ચિંતા! RBI લોનની EMI પર લઈ શકે મોટો નિર્ણય? જાણો શું કહે છે નિષ્ણાતો