Ahmedabad News : ગુજરાતમાં દિવાળીના તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર એક ડિપ્રેશન યથાવત છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી છે, જ્યારે 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
25 ઓક્ટોબરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે , તે સિવાય માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તાપમાનમાં પણ આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થશે.
25 અને 26 ઓક્ટોબરના રોજ વાતાવરણ ખરાબ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક તથા ઝાપટાં સાથે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. પોર્ટ વોર્નિંગ DC 1 હજી પણ યથાવત છે. મહત્તમ તાપમાનમાં આગામી બે દિવસ કોઈ મોટો ફેરફાર નહીં, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થશે.
જ્યારે આગામી ચાર દિવસ ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં, બાદમાં 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થશે.એક ડિપ્રેશન હાલમાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર યથાવત છે. તેની ધીમી ગતિ છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં, દક્ષિણપૂર્વ અરબ સાગર થઈને પૂર્વ મધ્ય અરબ સાગર તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે.દાસે જણાવ્યું હતું.
અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટિગ્રેડ અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાની શક્યતા છે.જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યની અંદર ફરી એક માવઠાનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારમાં 25 ઓક્ટોબર 2025થી 2 નવેમ્બર 2025 દરમિયાન સામાન્યથી મધ્યમ માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. માવઠા દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધી શકે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં એક જ દિવસ માં બે જ્ગ્યા પર લાગી આગ, ઝૂંપડાં, દુકાનો બળીને ખાખ
આ પણ વાંચો:ગુજરાતમાં દિવાળીના દિવસે આગ, અકસ્માત અને ઈમર્જન્સી કોલ્સમાં વધારો
આ પણ વાંચો:દિવાળીની રાત્રે ચાંદખેડાના ઝુંડાલમાં ભીષણ આગથી મચી નાસભાગ
