Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તે અંગે થયેલી કામગીરીની સમીક્ષા આજની રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીદ્વારા કરવામાં આવી હતી.
તમામ પ્રભારી મંત્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ તા. 30 નવેમ્બર સુધીમાં રજૂ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે.
