Ahmedabad Daskroi Hit and Run: અમદાવાદના આઉટર વિસ્તાર ગણાતા દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. માતા સાથે બજારમાંથી ખરીદી કરીને ઘર પાસે જ રસ્તા કિનારે ઉભેલા સાડા ત્રણ વર્ષના એક માસૂમ બાળકને બેફામ સ્પીડે આવતા પિક-અપ ટેમ્પોના ચાલકે અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું એસવીપી (SVP) હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.
માતા સાથે ખરીદી કરીને પરત ફર્યો ને કાળ આંબી ગયો
મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ નજીક રહીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો દીકરો ક્રિષ્ણા આ કાળમુખા અકસ્માતનો ભોગ બન્યો છે. ૨૧ મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન આસપાસની અન્ય મહિલાઓ અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ તેઓ રિક્ષા બાંધીને ગામડી સ્થિત ‘સ્વાસ્તિક-૨’ ફ્લેટ્સ નજીક પોતાના ઘર પાસે પરત ઉતર્યા હતા.
બેફામ પિક-અપ ટ્રકે પાછળથી મારી જોરદાર ટક્કર
પરિવાર હજુ રિક્ષામાંથી ઉતરીને રસ્તાની સાઈડમાં ઉભો જ હતો, તે જ સમયે પાછળથી અચાનક આવી ચઢેલા એક પિક-અપ ટ્રકના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માસૂમ ક્રિષ્ણાને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનું વ્હીલ બાળક પર ફરી વળતાં તેને માથાના પાછળના ભાગે અને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ પાપી ચાલક માનવતા ભૂલીને વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
Ahmedabad : માસૂમનો જીવ બચાવવા પરિવારે લગાવી દોડ
લોહીલુહાણ હાલતમાં તરફડતા માસૂમ ક્રિષ્ણાને તાત્કાલિક વટવાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકની ગંભીર સ્થિતિ જોઈ તબીબોએ તેને વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ અને ત્યાંથી પણ વધુ ગંભીર હાલત જણાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલો બદલવાની આ દોડધામ વચ્ચે ટૂંકી સારવાર બાદ રાત્રે ૧૦:૩૪ વાગ્યે ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે વટવા ખાતે મજૂરી કામે ગયેલા પિતાને આ અઘટિત ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને બાળકના શબને જોઈ હીબકે ચડ્યા હતા.
પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
આ ગંભીર હીટ એન્ડ રન મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકનો જીવ લઈને નાસી છૂટેલા કિલર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે તેમજ અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની તજવીજ તેજ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત
