Gujarat News: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આંતકવાદીઓ અંગે સતત નવા ખુલાસાઓથી તંત્ર સતર્ક બન્યું છે. તાજેતરમાં ગુજરાત ATSના સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ISKP સાથે જોડાયેલા આંતકીઓ મહોમ્મદ સુહેલ, આઝાદ અને ડૉ. અહેમદ અંગે તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા છે. આ મુદ્દે રાજ્યના સુરક્ષા તંત્રમાં ચિંતા ફેલાઈ છે અને ગુજરાત ATSએ તપાસ વધુ ગાઢ બનાવી છે.
ISKP કનેક્શનની પુષ્ટિ, સુહેલના ઘરેથી ISISનો ફ્લેગ મળ્યો
ગુજરાત ATS દ્વારા કરાયેલ દરોડામાં સૌથી મોટો ખુલાસો મહોમ્મદ સુહેલના ઘરેથી મળેલા ISISનો ફ્લેગ મળ્યો હતો. આ પુરાવા બાદ તપાસકર્તાઓએ સ્પષ્ટ કહ્યું છે કે સુહેલનો સીધો કનેક્શન ISKP સાથે હતો. સુહેલના ડિજિટલ ડિવાઈસીસ, ફોન રેકોર્ડ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું ફોરેન્સિક એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશ સ્થિત હેન્ડલર્સ સાથેના સંદેશાઓ પણ ગુજરાત ATSને મળ્યા છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
[fvplayer id=”260″]
ડૉ. અહેમદના ઘરેથી ડિજિટલ પુરાવા, મળ્યું શંકાસ્પદ પાર્સલ
ગુજરાત ATSને બીજી મોટી સફળતા ડૉ. અહેમદના ઘરે જ્યારે દરોડામાં અનેક ડિજિટલ પુરાવાઓ હાથ લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કઈંક હાર્ડડ્રાઈવ, પેન ડ્રાઈવ્સ અને નેટવર્ક ડિવાઈસીસ ગુજરાત ATSએ જપ્ત કર્યા છે. તપાસમાં ખુલ્યું છે કે ડૉ. અહેમદ પાસે અગાઉ પણ એક શંકાસ્પદ પાર્સલ પહોંચ્યું હતું. બે મહિના પહેલાં જે પાર્સલ તેના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું, તે કોઈ સામાન્ય ડિલિવરી ન હતી, પરંતુ તે પાર્સલ વિશે ઊંડાણપૂર્વક શોધખોળ કરવામાં આવી રહી છે.
પાર્સલમાં દોઢ લાખ રૂપિયા, મોકલનાર ISKP લિંકવાળા આઝાદ અને સુહેલ
મંતવ્ય ન્યૂઝને મળતી માહિતી મુજબ ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્સલ ડૉ. અહેમદ સુધી પહોંચાડનાર બે વ્યક્તિઓ તેના જ સાથી આઝાદ અને મહોમ્મદ સુહેલ હતા. પાર્સલમાં કુલ દોઢ લાખ રૂપિયાનું રોકડ હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રકમ પાકિસ્તાન આધારિત હેન્ડલર્સ દ્વારા હવાલા ચેનલ મારફતે મોકલવામાં આવી હતી. આ પૈસા રાજ્યમાં રેડિકલાઇઝેશન(બ્રેઇન વોશ) અને નિશ્ચિત પ્રવૃત્તિઓ માટે વપરાવવા માટે હતા કે નહિ તે દિશામાં ગુજરાત ATS તપાસ આગળ ધપાવી રહી છે.
[fvplayer id=”261″]
રોકડ ક્યાંથી આવી? હવાલા અને વિદેશી ફંડિંગની દિશામાં તપાસ
આઝાદ અને સુહેલ પાસે દોઢ લાખ રૂપિયા રોકડ ક્યાંથી આવ્યા, કોના મારફતે આવ્યા અને કેટલા સમયથી આ નેટવર્ક કાર્યરત છે? તે સૌથી મોટા પ્રશ્નો ગુજરાત ATSની તપાસમાં કેન્દ્રસ્થાને છે. સૂત્રો કહે છે કે ગુજરાત ATS એવી શક્યતા તપાસી રહી છે કે આ આતંકી ત્રિપુટ છેલ્લા કેટલાક મહિનાથી આંતરરાષ્ટ્રીય નેટવર્ક (International network) સાથે સંપર્કમાં હતા. પાકિસ્તાનના કરાંચી અને પેશાવરમાં બેઠેલા ISKPના હેન્ડલર્સ પાસેથી આવા પૈસા ‘હવાલા રુટ’ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે.
આતંકવાદી મોડ્યુલ કેટલો મોટો? તંત્ર સતર્ક
બેંગલુરુ, મુંબઈ અને ગુજરાતને જોડતા ISKP સપોર્ટ નેટવર્ક વિશેના ઇનપુટ્સ પહેલાથી જ કેન્દ્રિય એજન્સીઓ પાસે હતાં. ગુજરાત રાજ્ય ATSની તાજેતરની કાર્યવાહી બાદ હવે વધુ મોટા મોડ્યુલની કામગીરીના ખુલાસા થાય છે. ગુજરાત ATS તે પણ તપાસ કરી રહી છે કે શું આ આતંકી ત્રણેય રાજ્યમાં કોઈ મોટું કાવતરું અથવા રિક્રૂટમેન્ટ મોડ્યુલ બન્યું હતું કે નહિ. ડિજિટલ પુરાવાઓનું કેન્દ્રિય એજન્સીઓ દ્વારા વિશેષ વિશ્લેષણ પણ કરાવવામાં આવશે.
ગુજરાત ATSની સુચિત કાર્યવાહી, આગામી સમયમાં વધુ ધરપકડની શક્યતા
સૂત્રો કહે છે કે ગુજરાત ATSની તપાસના આધારે નજીકના દિવસોમાં વધુ લોકોની પૂછપરછ અથવા ધરપકડ થઈ શકે છે. ખાસ કરીને, જે આઝાદ અને સુહેલના સંપર્કમાં હતા અથવા ડૉ. અહેમદ સાથે નાણાકીય લેવડદેવડમાં સંકળાયેલા હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓ હવે ફંડિંગના સ્ત્રોત, વિદેશી કનેક્શન, સ્થાનિક સપોર્ટ સિસ્ટમ અને શક્ય sleeper cells વિશે વિશેષ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના બાયોટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
આ પણ વાંચો:ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ
આ પણ વાંચો:ગુજરાત ATSના સકંજામાં આવેલા 3 આતંકવાદીઓ વિશે મોટો ખુલાસો
