રાજ્યમાં એક સમયે કોંગ્રેસનો સૂરજ તપતો હતો અને કોંગ્રેસના 148-148 વિધાનસભ્યો હતા તે સમયે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે દિવસે ભાજપ સત્તા પર આવ્યું તો 15-15 વર્ષ સુધી કોંગ્રેસને દેખાવવા નહીં દઉં. આજે ભલે કોંગ્રેસી મિત્રો 148 બેઠકો પર પોરસાતા હોય, પરંતુ માધવસિંહ સોલંકીનો આ વિક્રમ પણ અમે તોડીને બતાવીશું ત્યારે આજે જે અમારી સ્થિતિ છે તેવી સ્થિતિ તમારી ભવિષ્યમાં હશે, મને હજી પણ તેમના આ શબ્દો યાદ છે અને તેઓ જે બોલ્યા હતા તે તેમણે કરીને પણ બતાવ્યું. આ શબ્દો છે કોંગ્રેસના જાણીતા આગેવાન ભરતસિંહ સોલંકીના.
ભાજપ ના નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ ને આપેલ ચેતવણી
ભરતસિંહ સોલંકીએ તેમના જન્મદિન નિમિત્તે પરિવાર સંગમના નેજા હેઠળ પક્ષના બધા જ રાજકીય આગેવાનોને તેમને ત્યાં આમંત્રિત કર્યા હતા. તેમા રાજ્યમાંથી પક્ષના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, ભૂતૂપર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા, ભૂતપૂર્વ પક્ષપ્રમુખ પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ તેમની હાજરીમાં આ વાત જણાવી હતી. તેમણે સ્વીકાર્યુ હતું કે તે સમયે તો તેમને વર્તમાન પીએમ મોદીના શબ્દો ખોખલા લાગ્યા હતા અને પરાજિત પક્ષનો બળાપો લાગ્યો હતો, પરંતુ આજે તેમના તે શબ્દોનું વજન હું તો શું આખો કોંગ્રેસ પક્ષ અનુભવી રહ્યો છે. આપણે તેઓની પાસેથી કમસેકમ તે શીખી શકીએ કે ગમે તેટલા જૂથવાદ અને આંતરવિરોધ વચ્ચે ફક્ત ચૂંટણી સમયે એક જ ધ્યેય અને નિષ્ઠાથી કામ કરો તો કેવું પરિણામ આપી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં ભાજપ છે તેનું કારણ વિપક્ષ વિભાજીત છે. આજે આપણે બેઠકો ઘટી છે તે આમ આદમી પાર્ટીના કારણે ઘટી છે. આમ આદમી પાર્ટીએ કંઈ ભાજપની કોર વોટબેન્ક પર નહીં પણ આપણી વોટબેન્ક પર પ્રહાર કર્યો છે. હું પોતે તે જ કહું છું કે જો હવે આમ આદમી પાર્ટીના લોકોને ભાજપ પોતાનામાં ભેળવતો હોય તો આપણે શું કામ પાછીપાની કરવી જોઈએ. આપણે જો તેમ કરી શકીએ તો આરામથી ભાજપને 100 બેઠકો સુધી લાવી શકીએ છીએ. આપણે 2017માં આ જોઈ પણ ચૂક્યા છીએ. બે જ પક્ષ હતા ત્યારે ભાજપને 100 બેઠકોમાં પણ ફાંફા પડી ગયા હતા.
તેમનું કહેવું હતું કે શાસક પક્ષની કોર વોટબેન્ક ફિક્સ છે, પણ વિપક્ષ વિભાજીત છે. હવે જો આપણે કોઈપણ રીતે આમ આદમી પાર્ટીના જ કાર્યકરો અને આગેવાનોને આપણામાં સમાવી શકીએ તો આપણા માટે પ્લસ પોઇન્ટ હશે, પણ તેના માટે આપણા કાર્યકરો અને આગેવાનોએ મોટું મન રાખવું પડશે. તેઓને જરૂર પડે તો પક્ષમાં હોદ્દા આપવા પડશે. આમ આપણે ભાજપ સાથે તો પછી લડવું પડશે, પણ પહેલા આપણી કોર વોટ બેન્કની કિલ્લેબંધી કરવી પડશે. તેના માટે આપણા મતોનું વિભાજન ટાળવું પડશે. આપણે આગામી ચૂંટણી પહેલા રાજ્યમાં કોઈપણ ભોગે ત્રિકોણીય જંગ કે બહુપાંખીયો જંગ નહીં દ્વિપક્ષી જંગ થાય તેવી સ્થિતિ સર્જવી પડશે. જો આપણને આમ કરવામાં સફળતા નહીં મળે તો નુકસાન આપણું છે અને આપણું નુકસાન તે શાસક પક્ષનો ફાયદો છે.
ભરતસિંહે દાવો કર્યો હતો કે આપણી અને ભાજપની વિચારધારા વચ્ચે આકાશજમીનનું અંતર છે. આપણી વિચારધારા ગાંધીજીની, સરદારની, નેહરુની, બાબાસાહેબ આંબેડકરની સર્વસમાવેશી વિચારધારા છે. તેની સામે શાસક પક્ષની વિચારધારા બહિષ્કારની વિચારધારા છે. આનો બહિષ્કાર કરો, પછી આનો બહિષ્કાર કરો, ફલાણા જૂથનો બહિષ્કાર કરો, ફલાણા વર્ગનો બહિષ્કાર કરો. તેથી આજે ભલે તેઓ વિજય મેળવી રહ્યા છે, પરંતુ આ પ્રકારની વિચારધારા લાંબી ચાલતી નથી. તેથી પક્ષનો દરેક કાર્યકર આ વાતને સમજી લે કે વિચારધારાની રીતે આપણે હજી પણ ભાજપ કરતાં આગળ જ છીએ. તેઓ આપણી સામેની વૈચારિક લડાઈમાં હજી પણ પાછળ છે. તેઓ ભલે સત્તા પર હોય, પરંતુ સારું બોલવા માટે અને વહીવટીતંત્રની કુશળતાનો લાભ લેવા માટે તેમણે નેતાઓ તો કોંગ્રેસમાંથી જ લેવા પડે છે. આ બતાવે છે કે કોંગ્રેસના આગેવાનોને તંત્રની કામગીરીનો કેટલો બહોળો અનુભવ છે.
આજે ભાજપે કોંગ્રેસમાંથી જ ગયેલા હિમન્તા બિસ્વાને આસામમાં સીએમ બનાવ્યા છે. આજે ગુજરાતની કેબિનેટમાં અર્જુન મોઢવાડિયાને સમાવવામાં આવ્યા છે, એક રીતે આ બાબતે જેમ હું મોદીજી અંગે કહું છું તેમ શાસક પક્ષે પણ વિપક્ષની આગવી લાક્ષણિકતા સ્વીકારી જ છે. તેમણે આજે પણ તેમને ત્યાં કોંગ્રેસમાંથી નેતાઓ આયાત કરવા પડે છે. હવે આ જ શાસક પક્ષ પોતાને ખરેખર કેડર બેઝ પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટી અને એકદમ મજબૂત પાર્ટી ગણાવે છે તો પછી વિપક્ષના નેતાને તે તેના પક્ષમાં શું કામ લે છે. પોતાના પક્ષમાંથી કોઈપણ કાર્યકરને બનાવી દે નેતા, અમે તો કંઈ તેમના હાથ બાંધી રાખ્યા નથી, પણ તેઓ આવું કરતાં નથી.
હવે વિચારો કે કોંગ્રેસમાંથી તેઓએ આટલા બધા નેતાઓ લીધા હોવા છતાં પણ Congress તૂટી નથી, આ Congressની તાકાત છે. કોંગ્રેસના સંગઠનની તાકાત છે, કોંગ્રેસના કાર્યકરોની તાકાત છે અને કોંગ્રેસની નેતાગીરીની તાકાત છે, પછી તે સ્થાનિક હોય કે રાષ્ટ્રીય હોય. નેતાઓ આવે અને જાય, પણ પક્ષ ચાલતો રહે છે. કોંગ્રેસ સત્તા પર હોય કે ન હોય, પરંતુ તેની વિચારધારા હંમેશા પ્રસ્તુત રહેવાની છે, કેમકે તે દરેકને સ્પર્શે છે. સમાજના તળિયાથી લઈને ટોચના લોકો બધાને આ વિચારધારા આવરી લે છે. તેમા કોઈના બહિષ્કારની વાત નથી, કોઈના તિરસ્કારની વાત નથી. તેથી જ લોકો કોંગ્રેસ સાથે જોડાય છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રજા ભાજપથી કંટાળી ચૂકી છે. તેમની નારેબાજી હવે લોકોને વાગે છે. તેઓ જયા પણ જાય ત્યાં શોરબકોર કરે છે, તે હવે પ્રજાને કનડે છે. તેમના રોડ-શોએ જાણે કેટલાય સામાન્ય લોકોને રોડ પર લાવી દીધા છે, પણ તેનાથી કંઈ કોંગ્રેસને વોટ મળી જવાના નથી. કોંગ્રેસે હવે પ્રજાની આ નારાજગીને પોતાના અવાજમાં પરિવર્તીત કરવી પડશે, તો જ શાસક પક્ષ સામેની આ નારાજગી મતમાં પરિવર્તીત થશે. લોકો શાસક પક્ષથી નારાજ હોય, પણ વોટ આપવા જ ન આવે તો તે નુકસાન કંઈ શાસક પક્ષને નહીં પરંતુ કોંગ્રેસને થાય છે.
તેથી આપણે કમસેકમ એવા કાર્યક્રમ તો આપવા જ પડે જેથી જનઆક્રોશ મતમાં પરિવર્તીત થાય. હાલમાં જનાક્રોશ યાત્રા જારી છે, તે યાત્રા પૂરી થાય એટલે આપણે અટકી જવાનું નથી, પરંતુ તેમાથી બોધપાઠ લઈ આગળ વધવાનો છે. દરેક જિલ્લામાં, દરેક શહેરમાં, દરેક શહેરના વોર્ડમાં, દરેક ગ્રામ પંચાયતમાં આપણે પ્રજાનો અવાજ બનવાનું છે તો જ આપણને મત મળશે. આ માટે આપણે આપણી વિચારધારા સાથે કોઈ સમાધાન કરવાની જરૂર નથી. આપણી વિચારધારા જ આપણી તાકાત છે અને તે જ આપણું પ્રેરકબળ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
