Ahmedabad News : અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત પાસે ગેસ લીકેજની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. જેમાં માધન ઔડા ગાર્ડન પાસે કોઈ અજાણ્યો શખ્સ ક્લોરિનનો બાટલો ફેંકીને ભાગી ગયો હતો. દરમિયાન બાટલામાંથી ગેસ લીકેજ થવા લાગતા આજુબાજુના લોકોને શ્વાસ લેવામાં તકલીફ તથા આંખોમાં બળતરા થવા લાગી હતી.
આ અંગે જાણ થતા ફાયર કર્મચારીઓ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. બાદમાં તેમણે ક્લોરિન ગેસને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી. આથી બન્નેને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાંફાયર બ્રિગેડના બે વાહનો મારફતે ક્લોરિન ગેસ પર પાણીનો મારો ચલાવીને તેને બંધ કરવાના પ્રયાસ કરવામાંઆવી રહ્યા છે.
હવામાં ગેસ વધુ ન ફેલાય તેના માટે પ્રયાસ હાથ ધરાયા
ક્લોરિન ગેસનો બાટલો લીકેજ થયો હોવાથી હાલમાં બાટલામાંથી ગેસ બહાર નીકળી જવા દેવો પડે તેવી સ્થિતી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. જેને લઈને તેની પર પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે. બાટલામાંથી તમામ ગેસ બહાર નીકળી ન જાય ત્યાં સુધી પાણીનો મારો ચલાવવામાં આવશે, જેથી ગેસ હવામાં વધુ ફેલાય નહી, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
મોઢે રૂમાલ અથવા માસ્ક રાખવું પડે એવી સ્થિતિ
બીજીતરફ આ ઠેકાણે આજુબાજુના વિસ્તારના લોકોને આવવા દેવા માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જે લોકો નજીકમાં છે તેમને મોઢા પર માસ્ક અથવા રૂમાલ રાખવો પડે તેવી સ્થિતી છે. હાલમાં બહાર નીકળી રહેલા ગેસ પર પાણીનો મારો ચલાવીને ગેસ હવામાં વધુ ન ફેલાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નજીકમાં આવેલી એક હોટેલને પણ ગેસ લીકેજને લઈને બંધ કરાવવામાં આવી છે.
