Surat News : સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત બુટલેગર ‘શિવા ટકલા’ હજુ સુધી પોલીસની પકડથી બહાર છે. માત્ર 20 હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે ત્રણ યુવાનોનું અપહરણ કરી તેમને લોખંડના સળિયા અને લાકડાથી અમાનવીય રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સોએબ શેખ અને નાઝીમની નિર્મમ હત્યા કરવામાં આવી, જ્યારે ત્રીજો યુવાન ઈર્શાદ ગંભીર હાલતમાં માંડ-માંડ જીવ બચાવી ભાગી ગયો હતો.
આરોપીઓની ક્રૂરતા અહીં અટકી નહોતી. “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ” તેવી ધમકી આપી અસ્તરા વડે યુવકોના અડધા વાળ, મૂછ અને આંખની ભ્રમર કાપી નાખવામાં આવી હતી. ગંભીર ઇજાઓના કારણે સોએબનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે નાઝીમની લાશ બાદમાં મહારાષ્ટ્ર બોર્ડર નજીકથી મળી આવી હતી.
ગોડાદરા પોલીસે આ ડબલ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શુભમ ઉર્ફે સની કાલિયા (ઉંમર 22), મંગલ ઉર્ફે વિક્કી યાદવ (ઉંમર 21) તેમજ એક સગીર વયના બાળકીશોરનો સમાવેશ થાય છે. જોકે, મુખ્ય સૂત્રધાર શિવા ટકલા છેલ્લા 12 દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજુ ફરાર છે, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
હાલ ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ મુખ્ય આરોપી શિવા ટકલાને પકડવા માટે વિવિધ દિશામાં તપાસ અને કાર્યવાહી તેજ કરી રહી છે. જ્યાં સુધી શિવા ટકલા જેલના સળિયા પાછળ નહીં પહોંચે, ત્યાં સુધી મૃતકોના પરિવારજનોમાં ભયનો માહોલ યથાવત છે.
સુરત શહેર પોલીસ માટે હવે આ કુખ્યાત બુટલેગરને ઝડપવો પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આવનારા દિવસોમાં પોલીસ શિવા ટકલા સુધી ક્યારે અને કેવી રીતે પહોંચે છે તે જોવાનું રહેશે.
