Mehsana News: મહેસાણાના કડીમાં શ્રી મહિલા સેવા સહકારી બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શ્રી મહિલા સેવા સહકારી બેંક સાથે કેટલાક મળતિયાઓએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું. વધુ અચરજની વાત એ છે કે બેંકના આ કૌભાંડમાં તેમનો જ સ્ટાફ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ કડીમાં તાલુકામાં નંદાસણ પાસે આવેલ શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ. જ્યારે નંદાસણની બેન્કનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે કરોડો રૂપિયાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો. અને આ છેતરપિંડી બેંકના જ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કડી શાખાની બેંકમાં જ્યારે ઓડિટર દ્વારા ઓટિડ હાથ ધરાયું ત્યારે હિસાબમાં ગોટાળો થઈ હોવાની શંકા ગઈ. દરમ્યાન ઓડિટરે હિસાબમાં જણાવેલ રોકડ કેશની માંગણી કરી ત્યારે કડીના મેનેજર દીપાબેન મહેતાએ કેશ રજૂ ના કરતા બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડ્યું. આ બાબતની અમદાવાદની મુખ્ય શાખાને ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ વધુ તપાસ કરતાં મેનેજર દીપાબેન મહેતા સાથે કડી બેંકના અન્ય સ્ટાફ પણ તેમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો.
બેંકના કર્મચારીઓએ કરી છેતરપિંડી
કડી તાલુકાની શ્રી મહિલા સેવા સહકારી બેંકમાં થયેલ કૌભાંડમાં બેંકના કર્મચારીઓ સામેલ હોવાની શંકા જતા અમદાવાદની મુખ્ય ઓફિસ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી. આ તપાસમાં સામે આવ્યું કે નંદાસણ શાખામાં બી.આર.ગ્રુપના ભાવેશ શાહ મહિલાઓને સ્વરોજગારી મામલે કામ કરે છે તેમ જણાવી આ બેંક ઉપરાંત અન્ય બેંકો પાસેથી પણ લોન લીધી હતી. ભાવેશભાઈએ તેમને મહિલાઓના કામને લઈને એવોર્ડ મળ્યા હોવાનું જણાવી ખાતા ધારક બહેનો અને બેંકના કર્મચારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. જેના બાદ મહિલાઓ તેમને ધિરાણ આપવા લાગી.
ભાવેશ શાહે મહિલાઓના વિશ્વાસનો લાભ ઉઠાવી 83 વિડ્રોલ વાઉચરો ઉપર સહીઓ વિના રૂપિયા ઉપાડ્યા હતા. તેમજ બેંકમાં ખાતા ધારકોની જાણ બહાર 60,42,500 રૂપિયાની લેવડદેવડ પણ કરી હતી. છેતરપિંડીની આ કામગીરીમાં ભાવેશ શાહની સાથે શ્રી મહિલા સેવા સહકારી બેંકના મેનેજર દીપાબેન મહેતા, એકાઉન્ટન્ટ રીન્કુબેન પણ સામેલ છે. આ મામલે દીપા મહેતા, રીંકુ શર્મા સહિત ત્રણ લોકોએ છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા