Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના એક શિક્ષકે 13 વર્ષની બાળકી સાથે અડપલા કરતા ચકચાર મચી છે. આ મામલે હોબાળો થતા અંતે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
શિક્ષકે 13 વર્ષની બાળકીને રિસેસના સમયે એકાંતમાં બોલાવીને બાળકીને ખોળામાં બેસાડી હતી જે બાદ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. અને મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીએ આ અંગે માતાને જાણ કરતા માતાએ શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અમદાવાદની જમાલપુરમાં આવેલી AMCની સ્કૂલમાં 13 વર્ષની બાળકી અભ્યાસ કરે છે. બાળકી જ્યારે સ્કૂલમાં જતી હતી ત્યારે સંગીતનો શિક્ષક રણછોડ રબારી અવારનવાર બાળકીને રિસેસમાં બોલાવતો હતો. રિસેસમાં બાળકીને એકાંતમાં બોલાવીને હાથ પકડી ક્લાસરૂમમાં લઈ જતો હતો. રણછોડ રબારી બાળકીને ખોળામાં બેસાડીને શારીરિક અડપલા કરતો હતો.
બાળકી ઘરે જઈને સૂનમૂન બેસી રહેતા તેની માતાએ તેને પૂછ્યું હતું. ત્યારે બાળકીએ શિક્ષક રણછોડ રબારીની કરતૂત અંગે તેની માતાને જણાવ્યું હતું કે રણછોડ રબારી માત્ર તેની સાથે જ નહીં અન્ય બાળકીઓ સાથે પણ આ હરકત કરતો હતો. આ બાબતે કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. આ અંગે બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકની સામે થયેલી ફરિયાદ અંગે જાણ થઈ છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. અમને બનાવની જાણ થતા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગે પીઆઇ સી. વી. ગોસાઈએ જણાવ્યું હતું કે આરોપી રણછોડ રબારી પ્રજ્ઞાચક્ષુ છે. તે છેલ્લા દસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે રિસેસના સમયે સંગીત શીખવાડવાના બહાને સગીરાને એકાંતમાં લઈ જઈને શારીરિક અડપલાં કરતો હતો. અન્ય કોઈ સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે કે કેમ તે મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ 5 મહિના પહેલાં વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકે ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અડપલાં કરતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓ સાથે બેડ ટચની ઘટનાને પગલે વાલીઓ શાળામાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે અંબે વિદ્યાલય દ્વારા તાત્કાલિક વ્યાયામ શિક્ષકને ટર્મિનેટ કરાયો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
