સુરતમાં લિંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર પાસે ICICI બેંકનું એક એટીએમ આવેલું છે. 7 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે એક ઇસમે આ ATMમાં જઈને પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ATM મશીનની નીચેના ભાગમાં રહેલો ચેસ્ટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને આ ડોર ખોલવામાં કોઈ પણ પ્રકારની સફળતા મળી ન હતી ત્યારબાદ તે ભાગી ગયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ ATMના મેનેજરને થતા તેમને CCTV ફૂટેજના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આધારે પોલીસે CCTV ફૂટેજ કબજે લઈ આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
લિંબાયત પોલીસની સાથે આ સમગ્ર મામલે તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોતરાયું હતું અને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લિંબાયત વિસ્તારના મહાપ્રભુનગર ચાર રસ્તા પાસેથી ATM મશીનમાં ચોરીનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ઈસમનું નામ ફઇયાજ અહેમદ નીયાજ અહેમદ છે. આરોપી ડાંઇગ મિલમાં કામ કરતો હતો અને તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપી ફૈયાજે કબુલાત કરી હતી કે, પોતાના ઘરની પરિસ્થિતિ નબળી છે અને તે પરિવારનો મોટો પુત્ર છે. નવેમ્બર મહિનામાં તેની બહેનના લગ્ન આવી રહ્યા હોવાથી પૈસા એકઠા કરવા માટે તેની પાસે કોઈ રસ્તો ન હતો. તેથી તેને 3 દિવસ પહેલા રાત્રિના સમયે ડુંભાલ વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર પાસે ICICI બેંકનું ATM મશીન તોડવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આ મશીનમાંથી તેને પૈસા મેળવવામાં સફળતા ન મળતા તે ભાગી ગયો હતો.
