સુરત/ RTI એક્ટ અંતર્ગત બી.આર.સી. ઓલપાડ દ્વારા ખાનગી પ્રાથમિક શાળાઓને ડ્રાફ્ટ વિતરણ કરાયા

સરકારનાં આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓને ગરીબ વંચિત જૂથનાં બાળકોને ૨૫% પ્રમાણે પ્રવેશ આપવાનો થાય છે.

Gujarat Others

નિર્મલ પટેલ @મંતવ્ય ન્યુઝ

સરકારનાં આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓને ગરીબ વંચિત જૂથનાં બાળકોને ૨૫% પ્રમાણે પ્રવેશ આપવાનો થાય છે. આ સંદર્ભે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં ૪૧ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૧૩૦૬ જેટલાં લાભાર્થી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકોની દ્રિતીય સત્રની ફીની ૫૩,૦૧,૨૨૫ રૂપિયા જેટલી રકમ ડ્રાફ્ટરૂપે બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલનાં હસ્તે ઉપસ્થિત તમામ આચાર્યોને અર્પણ કરવામાં આવી.
બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે સામાજિક અંતરની તમામ તકેદારી સાથે યોજાયેલ આ ડ્રાફ્ટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાનગી પ્રાથમિક શાળાનાં આચાર્યોને સંબોધતા તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આ યોજનાનો લાભ આપ સૌના સહકાર અને યોગ્ય સંકલન થકી ગરીબ પરિવારનાં બાળકોને મળી રહ્યો છે જે આનંદની વાત છે. તેમણે આ લોકડાઉન વચ્ચે સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓનાં બાળકોનાં ઓનલાઇન અભ્યાસ બાબતે તમામ શિક્ષક ભાઈ-બહેનોની કામગીરીને બિરદાવી હતી.
બેઠકનાં બીજા તબક્કામાં બ્લોક એમ.આઈ.એસ. સંજય રાવળે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત યુડાયસ ફોર્મ-૨૦૨૧, આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી, ટીચર્સ પોર્ટલ અપડેશન, ઓનલાઇન હાજરી, ફાયર સેફટી એન.ઓ.સી. જેવી વિવિધ કામગીરી સંદર્ભે શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને તેનાં યોગ્ય નિવારણ માટેની ચર્ચા હાથ ધરી હતી. અંતમાં આભારવિધિ ડેટા ઓપરેટર સંજય પટેલે આટોપી હતી.