Punjab News : પંજાબના લુધિયાણામાં પાકિસ્તાન (Pakistan) માટે જાસૂસી કરતો દુકાનદાર ઝડપાયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 22 વર્ષીય દુકાનદાર રછપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે દુકાનની બહાર ચીન નિર્મિત સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ ફીડ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સુધી પહોંચાડ્યું હતું.
દુકાનદાર પર Pakistan માટે જાસૂસી કરવાનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ દુકાનની બહાર બે ચીની સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. કેમેરાની દિશા રસ્તા તરફ રાખવામાં આવી હતી, જેથી આસપાસની ગતિવિધિઓનું સતત નિરીક્ષણ થઈ શકે.
આ કેમેરાનું લાઈવ ફીડ (Live Feed) પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સુધી પહોંચતું હોવાનો આરોપ છે. દુકાનમાંથી શહેર અને આસપાસના વિસ્તારની ગતિવિધિઓની માહિતી પણ મોકલવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દારૂગોળા ડેપો નજીક દુકાન ભાડે રાખી
પૂછપરછ દરમિયાન આરોપીએ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના ઈશારે દુકાન ભાડે રાખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લુધિયાણા-ફિરોઝપુર રોડ (Ludhiana-Firozpur Road)પર આવેલી આ દુકાન માટે આરોપી દર મહિને રૂ.40 હજાર ભાડું ચૂકવતો હતો. આ દુકાન બઢ્ઢોવાલ દારૂગોળા ડેપોથી આશરે છ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. આથી સૈન્ય અને અન્ય મહત્વપૂર્ણ ગતિવિધિઓની માહિતી એકત્રિત કરવાના સંભવિત પ્રયાસ અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને જાસૂસીની પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ પાસેથી આશરે રૂ.3 લાખ મળ્યા હતા. આરોપીએ દુકાનની બહાર બે કેમેરા એવી રીતે ગોઠવ્યા હતા કે રસ્તા પરથી પસાર થતી હિલચાલનું સતત દૃશ્ય મળી શકે. આ લાઈવ ફીડ દ્વારા મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવામાં આવતી હોવાની શંકાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
શંકાસ્પદ હિલચાલથી પોલીસે કરી તપાસ
ફિરોઝપુર રોડ પર ઓલ્ડ ઓક્ટ્રોય પોસ્ટ નજીક દુકાન ભાડે લેવામાં આવી હતી. જોકે, દુકાન શરૂ થયા બાદ ત્યાં કોઈ ખાસ વેપારી પ્રવૃત્તિ થતી નહોતી. દુકાનની બહાર લગાવેલા કેમેરાની દિશા અને આરોપીની શંકાસ્પદ હિલચાલને કારણે પોલીસને તેના પર શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સની ટીમે તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી.
27 ઓગસ્ટે સંયુક્ત કાર્યવાહીમાં ધરપકડ
27 ઓગસ્ટે મળેલી ચોક્કસ બાતમીના આધારે લુધિયાણા પોલીસ (Ludhiana Police) અને કાઉન્ટર ઈન્ટેલિજન્સની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રછપાલ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે આરોપીના પાકિસ્તાન સ્થિત સંપર્કો, નાણાંકીય લેવડદેવડ અને જાસૂસી નેટવર્ક (Spy Network) સાથે જોડાયેલા અન્ય લોકો અંગે તપાસ કરી રહી છે.
તપાસ એજન્સીઓને આશંકા છે કે આ જાસૂસી પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. દારૂગોળા ડેપો નજીક દુકાન રાખી લાઈવ ફૂટેજ મેળવવાનો હેતુ શું હતો અને કઈ માહિતી પાકિસ્તાન સુધી મોકલવામાં આવી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી એકલો જ આ કામગીરી કરતો હતો કે ભારતમાં તેની સાથે અન્ય કોઈ લોકો પણ આ જાસૂસી નેટવર્કમાં સામેલ હતા, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર નેટવર્ક અને તેની પાછળના હેતુ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: પાકિસ્તાનની જેલમાં ગીરના માછીમારનું મોત, મૃતદેહ વતન પરત લાવવા પરિવારની માગ
આ પણ વાંચો: સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અપીલથી વધી ગરમાવો
આ પણ વાંચો: દિલ્હીમાં પાકિસ્તાની જાસૂસ હોવાની શંકામાં યુવક ઝડપાયો, સિલિગુડી કોરિડોરમાં ISI નેટવર્કની આશંકા
