આજે નવરાત્રીનું નવમુ નોરતુ છે. ત્યારે ખેલૈયાઓ આ અંતિમ નોરતાને ગરબાનાં તાલે ઘૂમી મનાવશે. આપને જણાવી દઇએ કે, નવરાત્રી માટે અલગ-અલગ સ્ટેપનાં ગરબા ગાવોનો તહેવાર નથી તે એક આસ્થા અને શ્રદ્ધાનો પણ પર્વ છે. જેની સાથે જોડાઇ છે ઘણી પરંપરાઓ. અલગ-અલગ જગ્યાએ અલગ-અળગ પરંપરાઓ આપને જોવા મળશે. જેમા ઘણી એવી પરંપરા પણ છે જેના વિશે સાંભળી તમે થોડી વાર માટે ચોંકી જશો. તેવી જ એક પરંપરા અમદાવાદાનાં શાહપુરમાં આવેલી સદુમાની પોળમાં જોવા મળે છે, જ્યા નવરાત્રીનાં આઠમા નોરતે પુરુષો સ્ત્રીનો પોશાક પહેરે છે અને તે માત્ર પહેરતા નથી પણ ગરબે પણ ઘૂમે છે.

રાજ્યમાં નવરાત્રીનો પર્વ ઘણી ધામદૂમથી ઉજવાતો હોય છે, તેવી જ રીતે ઘણી પરંપરાને પણ જાહેરમાં ધામધૂમથી ઉજવાતી હોય છે. વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ લોકો પૂર્ણ હ્રદયથી કરતા હોય છે. આવી જ એક પરંપરા છેલ્લા 203 વર્ષથી અમદાવાદનાં શાહપુરમાં આવેલી સદુમાની પોળમાં જોવા મળે છે. જ્યા બારોટ સમાજનાં લોકો માતાજીની ભવાઈ તેમજ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને માતાજીની આરાધના કરે છે. હલીમની ખડકીમાં આવેલી સદુમાની પોળમાં નવરાત્રીનાં આઠમનાં નોરતામાં બારોટ સમાજનાં લોકો સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે. સાળી પહેરે છે, હાથમાં બંગડીઓ પહેરે છે અને માથે ચાલ્લો પણ કરે છે. ત્યારબાદ તેઓ ગરબે પણ ઘૂમે છે. જુદી જુદી પરંપરા જુદા-જુદા કારણોસર હોય છે. તેવી જ રીતે આ પરંપરા કે જેમા આઠમનાં નોરતામાં પુરુષો સ્ત્રી જેવો શણગાર કરે છે તેની પાછળ પણ એક અનોખુ કારણ છે.

શાહપુરમાં આવેલી સદુમાની પોળનું નામ 203 વર્ષ પહેલા ભાટવાળો હતું. એવી માન્યતા છે કે ભાટવાળા તે સમયે કલણાં ગામનાં સ્વરૂપવાન સદુબા બારોટ હરીસિંહ બારોટ સાથે લગ્ન કરીને ભાટવાળામાં આવ્યા હતા. ભાટવાળાની બાજુમાં રહેલી ઓતમ પોળનાં એક ઓતમે તે વખતનાં બાદશાહને સદુબાનું સ્વરૂપનું વર્ણન કર્યું હતું. સદુબાનાં સ્વરૂપનાં વર્ણનથી જ બાદશાહ મોહી ગયા અને સદુબાને લેવા સિપાહી મોકલ્યા હતાં. આ સમયે સદુબાએ પતિ હરીસિંહને કહ્યું હતું કે, આપ મારું માથું ધડથી અલગ કરી નાખો નહીંતર આ સિપાહીઓ મને લઇ જશે. આથી હરિસિંહે સદુબાનું માથું ધડથી અલગ કરવા ઘા કર્યો હતો. જોકે, એક ઘાએ તેઓ માથું ધડથી અલગ ન કરી શકતા સદુબાએ શ્રાપ આપ્યો હતો કે અમદાવાદનાં બારોટનું નખોદ જાજો.

બીજી બાજુ તેમના ભાણેજે એક ઘા મારીને સદુબાનું માથું ધડથી અલગ કરતા આકાશવાણી કરીને ભાનોજોને સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. આ શ્રાપથી રાહત મેળવવા માટે અમદાવાદનાં બારોટોએ સતી સદુમાની માફી માંગી અરજી કરતા કહ્યું કે બારોટનાં પુરુષો ઘાઘરા પહેરશે. કહેવાય છે માતાએ તેની પરવાનગી આપી હતી. તેના બીજા વર્ષથી અહી સાતમા, આઠમા અને નવમાં નોરતાએ પુરુષો ભવાઈ કરતા હતા. એ બાદ દરેક આઠમનાં દિવસે ઘાઘરા પહેરવાની પ્રથા આગળ વધી હતી. આ પરંપરા આજે પણ કાયમ રહી છે. નવરાત્રીમાં અહીં પુરુષોને તેમની પત્નીઓ જ મહિલાઓનો પોશાક પહેરાવે છે. જ્યારે કોઈએ સંતાન માટે બાધા રાખી હોય અને તેના ઘરે દીકરાનો જન્મ થાય છે ત્યારે પણ ચણીયો પહેરીને માતાજીનાં દર્શન કરવામાં આવે છે. નવરાત્રીમાં સદુમાની પોળમાં આઠમનાં દિવસે પહેલા મહકાળી માતાનો ગરબો ગવાય છે. કહેવાય છે કે સદુમા મહાકાળી ભક્ત હતા. આ વર્ષે સુપ્રસિધ્ધ ગાયક જીગ્નેશ કવિરાજનાં પિતા હસમુખ બારોટે પણ સાડી પહેરીને ગરબા ગાયા હતા. ગુજરાતમાં પોતાના સ્વરથી લોકોને મંત્રમૂઘ્ધ કરતા જીગ્નેશ કવિરાજનાં પિતા હસમુખ બારોટ પણ આ પરંપરાને નિભાવે છે અને ખુદ સાડી પહેરી ગરબાનાં તાલે ઘૂમી ઉઠ્યા હતા.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
