વિશ્વ ક્રિકેટ (Cricket)ના ઈતિહાસના સૌથી મહાન અને પ્રભાવશાળી ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સ (Sir Garry Sobers ) નું 89 વર્ષની વયે બ્રિજટાઉન ખાતે અવસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીના નિધનના સમાચાર તેમના પુત્ર ડેનિયલે જાહેર કર્યા છે. સોબર્સ પોતાના 90મા જન્મદિવસની ઉજવણી કરે તેના માત્ર 11 દિવસ પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાયથી સમગ્ર રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વરિષ્ઠ તેમજ વર્તમાન ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
મેદાન પર બહુમુખી પ્રતિભાના સ્વામી
28 જુલાઈ, 1936 ના રોજ બાર્બાડોસમાં જન્મેલા ગેરી સોબર્સ ક્રિકેટના મેદાન પર અશક્યને શક્ય કરનારા ખેલાડી હતા. તેઓ ડાબોડી બેટ્સમેન હોવાની સાથે મધ્યમ ગતિની ફાસ્ટ બોલિંગ તેમજ સ્પિન બોલિંગ પણ એટલી જ કુશળતાથી ફેંકી શકતા હતા. આ સિવાય તેમની ગણના તે સમયના સૌથી ચપળ ફિલ્ડરોમાં થતી હતી. 17 વર્ષની નાની ઉંમરે 1954માં ડેબ્યૂ કરનારા સોબર્સે 93 ટેસ્ટ મેચમાં 57.78 ની શાનદાર એવરેજથી 8032 રન બનાવ્યા હતા, જેમાં 26 સદી સામેલ છે. બોલિંગમાં તેમણે 235 ટેસ્ટ વિકેટો પણ ઝડપી હતી. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પણ તેમના નામે 28 હજારથી વધુ રન અને 1043 વિકેટ નોંધાયેલી છે.
ઐતિહાસિક 365 રન અને એક ઓવરમાં 6 છગ્ગા
સર ગેરી સોબર્સના કરિયરની સૌથી યાદગાર ક્ષણ 1958 માં પાકિસ્તાન સામે જોવા મળી હતી, જ્યાં તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ સદીને 365 રનના અણનમ મેરેથોન સ્કોરમાં બદલી નાખી હતી. આ તે સમયે ટેસ્ટ ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર હતો. આ સિવાય, 1968 માં કાઉન્ટી ક્રિકેટમાં ગ્લેમોર્ગન સામે રમતા તેમણે બોલર માલકમ નાશની ઓવરમાં સતત 6 સિક્સર ફટકારીને ક્રિકેટ ઈતિહાસમાં નવો ઈતિહાસ રચ્યો હતો. તેઓ આ કારનામું કરનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા હતા. 1965 થી 1972 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ટીમની કેપ્ટનશીપ કરનાર સોબર્સને ક્રિકેટમાં તેમના યોગદાન બદલ બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ‘નાઈટહૂડ’ (સર) ની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ આઈસીસી હોલ ઓફ ફ્રેમ અને વિઝડનના સદીના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન પામ્યા હતા.
આ પણ વાંચો: રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્ત થશે? લોર્ડ્સ વનડે પહેલા BCCIએ અફવાઓ પર આપ્યો સણસણતો જવાબ
આ પણ વાંચો: રોહિત શર્માની નિવૃત્તિની અટકળો વચ્ચે 891 રનનો મોટો સવાલ, BCCI શું નિર્ણય લેશે?
આ પણ વાંચો: રોહિત શર્મા યુગનો અંત? લોર્ડ્સ વનડે હોઈ શકે છે ‘હિટમેન’ ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
