રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) ના પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના તાજેતરના અહેવાલે ચિંતા વધારી છે. દેશમાં મહિલાઓનો બેરોજગારી (Unemployment) દર જૂન મહિનામાં વધીને 5.9 ટકા પર પહોંચી ગયો છે, જે છેલ્લા 15 મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. મે મહિનામાં આ આંકડો 5.6 ટકા હતો. નોંધનીય છે કે ડેટા કલેક્શન માટે જ્યારેથી નવી પદ્ધતિ અમલમાં આવી છે, ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો છે.
ગામડાં અને શહેરો બંને જગ્યાએ સ્થિતિ વણસી
છેલ્લા પાંચ મહિનાના ટ્રેન્ડ પર નજર કરીએ તો ચાર મહિનામાં મહિલાઓની બેરોજગારી સતત વધી છે. ફેબ્રુઆરીમાં જે દર 5.1 ટકા હતો, તે જૂનમાં 5.9 ટકાએ પહોંચ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા બેરોજગારીનો દર 4.7 ટકાથી વધીને 5 ટકા થયો છે, જે એપ્રિલ 2025 પછીનો સૌથી વધુ છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં મહિલા બેરોજગારી દર 8.2 ટકાથી વધીને 8.4 ટકા નોંધાયો છે.
એકંદર બેરોજગારી અને શ્રમ બળનો ગ્રાફ સ્થિર
દેશનો એકંદર (પુરુષ અને મહિલા બંને મળીને) બેરોજગારી દર જૂનમાં 5.5 ટકા પર સ્થિર રહ્યો છે, જે મે મહિના જેટલો જ છે. જોકે, આ આંકડો 11 મહિનાના ઉચ્ચ સ્તરની બરાબર છે. શ્રમ બળ ભાગીદારી દર (LFPR) પણ 54.4 ટકા પર યથાવત રહ્યો છે. ગ્રામીણ ભાગીદારી દર 56.6 ટકા પર સ્થિર રહ્યો, જ્યારે શહેરી ભાગીદારી દરમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે અને તે 49.8 ટકાથી વધીને 50.1 ટકા થયો છે. ચિંતાની વાત એ છે કે જૂન મહિનામાં મહિલા શ્રમ બળ ભાગીદારી દર 32.7 ટકા પર સ્થિર રહ્યો હોવા છતાં તેમની બેરોજગારીમાં મોટો વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં હાલ નવી હલચલ, ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘બેરોજગારી’ મુદ્દે મેદાને
આ પણ વાંચો: બેરોજગારી દર વધીને 5.6 % થયો, મહિલાઓ અને બાળકો પ્રભાવિત
આ પણ વાંચો: ડિસેમ્બર ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દરમાં ઘટાડો, જાણો નવીનતમ આંકડા
