ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)ના વનડે કરિયર પર વિરામ મુકાઈ શકે છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી ત્રીજી વનડે મેચ રોહિતના આંતરરાષ્ટ્રીય કરિયરનો છેલ્લો મુકાબલો સાબિત થાય તેવી પ્રબળ અટકળો છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ હવે 50 ઓવરના ફોર્મેટમાં રોહિત શર્માથી આગળ વધીને નવી અને યુવા ટીમ તૈયાર કરવાના મૂડમાં છે.
2027ના વર્લ્ડ કપ માટે યશસ્વી જયસ્વાલ પર મોટો દાવ!
BCCI ના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિલેક્ટર્સનો ટાર્ગેટ હવે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપ પર છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે પસંદગીકારો યુવા ડેશિંગ ઓપનર યશસ્વી જયસ્વાલને મહત્તમ તકો આપીને ઓપનિંગ પોઝિશન માટે પૂરી રીતે સેટ કરવા માંગે છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “સિલેક્ટર્સે પોતાનો રોડમેપ સ્પષ્ટ કરી દીધો છે. રોહિત શર્મા સત્તાવાર રીતે સંન્યાસ લેવાની જાહેરાત ક્યારે કરે છે તે તેમનો અંગત નિર્ણય રહેશે, પરંતુ રવિવારે લોર્ડ્સમાં રમાનારી મેચ ભારતીય જર્સીમાં તેમની આખરી વનડે હોઈ શકે છે તેવો મેસેજ સ્પષ્ટ છે”.
ખરાબ ફોર્મ અને વધતી ઉંમર બન્યા નડતર
રોહિત શર્માના પક્ષમાં તાજેતરનું ફોર્મ દેખાઈ રહ્યું નથી. સોફિયા ગાર્ડન્સ (કાર્ડિફ) ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં તેણે ૨૬ રન બનાવવા માટે 47 બોલ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. રોહિતના ફોર્મમાં જોવા મળી રહેલી નરમાઈના લીધે યશસ્વી જયસ્વાલ જેવા ફોર્મમાં ચાલી રહેલા યુવા ખેલાડીઓને પ્લેઇંગ ઈલેવનથી બહાર બેસવું પડે છે. આ જ કારણ છે કે હેડ કોચ ગૌતમ ગંભીર અને અજિત અગરકરની જોડી ભવિષ્યના લાંબા ગાળાના આયોજન તરફ આગળ વધી રહી છે.
T20 અને ટેસ્ટ બાદ હવે વનડેમાંથી પણ વિદાય?
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ ભારતને ૨૦૨૪ નો T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ તુરંત જ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ ૭ મે, ૨૦૨૫ ના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત પહેલાં તેણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું અને શુભમન ગિલને વનડે ટીમની કમાન સોંપવામાં આવી હતી. રોહિતની ઈચ્છા ૨૦૨૭ નો વર્લ્ડ કપ રમવાની હતી, જેના કારણે તેણે વનડે રમવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે પસંદગીકારોના નવા પ્લાનથી તેમના આ સપનાનો અંત આવતો દેખાય છે.
આંકડામાં રોહિત શર્માની વનડે સફર:
કુલ વનડે મેચ: 287
કુલ રન: 11,757
કેપ્ટન તરીકે મેચ: 56 (જેમાં ભારતને 2023 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યું અને UAE માં રમાયેલી 2025 ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડ્યો).
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયામાં બધું ઠીક નથી? વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલથી ચર્ચા તેજ
આ પણ વાંચો:ફ્રાન્સ vs સ્પેન મહામુકાબલો; રોમાંચક સેમિફાઇનલ પહેલાં જાણો તમામ મહત્વની વિગતો
