Surat News : સુરતમાં રહેતા એક યુવકે દેવું થઈ જતા ઉઘરાણીથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતું. સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા ચિત ગાબાણી નામના 22 વર્ષના યુવકે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. ચિત ગાબાણીને જર્મની જવા માટેના 10 લાખ રૂપિયા હારવા સાથે 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તે સિવાય જુગાર રમવા માટે તેણે રૂ.80,000 અજય શિરચા નામની વ્યક્તિ પાસેથી લીધા હતા. 80 હજાર સામે શિરોચાએ 2 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ગાબાણી આપઘાત કરવા મજબૂર થયો હતો. જેને પગલે પોલીસે આ કેસમાં અજય મહાકાલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મૂળ બોટાદના સ્વામીના ગઢડાના ગુંદાળા ગામના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશિપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાત ચલાવે છે. ખોડાભાઈનાં ત્રણ સંતાન પૈકી 23 વર્ષના ચિતે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. વર્ષ 2022માં સિંગાપોર હોટલ મેનેજમેન્ટનો કોર્સ શીખવા ગયો હતો અને એપ્રિલ 2023માં પરત ફર્યો હતો.
તે જર્મની જવા પ્રયાસો કરતો હતો. જર્મની ગવર્નમેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10.80 લાખ બતાવવા પડતા હોય એ રકમ તેણે બેંકમાં જમા કરાવી હતી.જર્મની જવાની તૈયારી કરતો ચિત અચાનક બે દિવસ પહેલાં બપોરે 2 વાગ્યે બહારથી આવ્યા બાદ પોતાના રૂમમાં ગયો હતો. 4 વાગ્યે માતા આશાબેને ઉઠાડવા માટે ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ કર્યો નહોતો, જેથી આશાબેને તરત જ પતિને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને પાડોશીઓની મદદથી બારી વાટે અંદર જઈને પુત્ર ચિતની ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ દોડી ગઇ હતી અને લાશનો કબજો લઈ સ્મિમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
બીજી તરફ રૂમમાં બેડની નીચેથી એક પેજમાં અંતિમ સંદેશ સોરી પપ્પા-મમ્મી હું જાઉં છું, તમને તો ખબર છે મેં કેટલા પૈસા ગુમાવ્યા વગેરે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. એના આધારે પોલીસે 80 હજારના બદલામાં 2 લાખની ઉઘરાણી કરી આપઘાત કરવા મજબૂર કરનાર અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ (ઉં.વ.31 રહે. મહાલક્ષ્મી સોસાયટી, સરથાણા અને મૂળ. લિલિયા, તા. મોટા લિલિયા, અમરેલી) વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે SORRY પપ્પા-મમ્મી, હું જાઉં છું, તમને તો ખબર જ છે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે, પણ જે તમને નથી ખબર, જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા ઈ પૈસા હુ હારી ગયો તો ઇ પૈસા મેં ગયા વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જ ગુમાવી દીધા હતા. મેં ડુપ્લિકેટ લેટર બનાવીને વિઝા એપ્લાય કર્યા તા વિચાર્યુ હતું કે વિઝા આવી જશે અને હું ત્યાં જઈને તમને બધાને હકીકત કઈ દઈશ, પણ વિઝા મળ્યા નહિ છતાં હું પાછો વળ્યો નહિ. મેં ગામમાંથી પૈસા માગવાનું ચાલુ કર્યું. 10%, 20%ના પૈસાથી રમ્યો, હાર્યો-જીત્યો બધું થયું. છેલ્લે બધું પૂરું થઇ ગયું. મુકુંજના ઉછીના પૈસા પણ હારી ગયો. નિહાર અને મુકુંજ આ બે માણસે મારે જ્યારે જરૂર પડી ત્યારે મારો સાથ આપ્યો છે. જો આ બંને ના હોત તો આ પગલુ મેં કદાચ બહુ સમય પહેલાં લઇ લીધું હોત.
વાંધો નહિ, જે થયું એ હજુ એક પૈસા અજયભાઇ શિરોયા(મહાકાલ) પાસેથી મેં ટોટલ 80 હજાર લીધા હતા, જે અમે ભાગીદારીમાં જુગાર રમતા હતા, જેના 60 હજાર રૂપિયા તેમના ભાગમાં આવ્યા હતા ને મારા ભાગમા કંઈ નહીં, તો મેં તેમને 10/5/2025ના તારીખના બે ચેક આપ્યા હતા. એક 1,50,000 અને 1,20,000નો જે હુ ટાઇમસર પરત નહોતો કરી શક્યો, તો તારીખ 10/5/2025ના રોજ મેં તેમને બીજી તા-10/6/2025ના બે લાખ રૂપિયાનો ચેક આપેલો છે. ટોટલ 80,000 હતા ને હવે તે મારી પાસે 2,00,000 રૂપિયા માગે છે.
ટોટલ 10 લાખનું દેવું મેં કરી નાખ્યું છે અને આ આંકડો આગળ ના જાય એના માટે હું આ પગલું ભરું છું. બની શકે તો અજય શિરોયા(મહાકાલ)ને સજા મળે તો આપજો. બાકી થયું, મારો શોક મહેરબાની કરીને મનાવતા નહીં. માફીને લાયક તો હું છું જ નહીં, પણ છતાં બની શકે તો મને માફ કરી દેજો. સોરી SORRY લિ. તમારો દીકરો. આ સાથે ફોનનો પાસવર્ડ એમાં ફોનમાં મારી એપલ આઇ.ડી નથી, અજયભાઈના માણસની છે. તે બિચારાનો કોઇ વાંક નથી, અજયનો જ વાંક છે બધો.
લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે. આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક દ્વારા અન્ય લોકો પાસેથી પણ રૂપિયા લેવામાં આવ્યા હતા તો તેમના દ્વારા પણ દબાણ કરવામાં આવતું હતું કે નહીં એ અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:રખડતાં કૂતરાઓના આતંક બાદ મેયરે ચલાવ્યું બૂલડોઝર
આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી સત્તા પર આવશે તો રામ મંદિર પર બૂલડોઝર ચલાવશે,જાણો કોણે કહ્યું આવું…
આ પણ વાંચો:કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર
