National News/ જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ₹499 લીટરનું પાણી! ગુજરાતના તારંગા સાથે AAVAનું કનેક્શન, કંપની સામે ભૂગર્ભજળનો કેસ પણ ચર્ચામાં

ચૂંટણીપંચની તસવીરમાં દેખાયેલી AAVA Waterની બોટલથી શરૂ થયેલી તપાસમાં ગુજરાતના તારંગા સાથે કંપનીના કનેક્શન, અમદાવાદના પ્લાન્ટ અને ભૂગર્ભજળના ઉપયોગ અંગે અનેક સવાલો સામે આવ્યા છે.

NATIONAL Top Stories Breaking News
AAVA Water: જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ₹499 લીટરનું પાણી, તારંગા કનેક્શન પર સવાલ

National News: દેશમાં હાલમાં ચૂંટણીપંચ અને (SIR) ને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણીપંચ દ્વારા ત્રણેય ચૂંટણી કમિશનરોની એક તસવીર જાહેર કરવામાં આવી હતી. તસવીરમાં ત્રણેય કમિશનર એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરમાં દેખાતી પાણીની બોટલે પણ ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

આ બોટલ પર (AAVA Water) લખેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન સામે આવેલા દાવા અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે આ પાણીની કંપનીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. કંપનીના પાણીની કિંમત, તારંગા પર્વત સાથે જોડાયેલો કંપનીનો દાવો, અમદાવાદમાં આવેલા પ્લાન્ટ અને ભૂગર્ભજળ અંગેના પ્રશ્નો હવે ચર્ચામાં આવ્યા છે.

AAVA Waterની એક લીટર કિંમત ₹499 હોવાનો દાવો

AAVA Water: જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ₹499 લીટરનું પાણી, તારંગા કનેક્શન પર સવાલ
AAVA Water: જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ₹499 લીટરનું પાણી, તારંગા કનેક્શન પર સવાલ

કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર AAVA ની 250 MLની  8 બોટલની કિંમત ₹999 દર્શાવવામાં આવી છે. આ ગણતરી પ્રમાણે એક લીટર પાણીની કિંમત આશરે ₹499 થાય છે.

સામાન્ય રીતે બજારમાં બ્રાન્ડેડ પેકેજ્ડ પાણીની એક લીટર બોટલ આશરે ₹15થી ₹20માં ઉપલબ્ધ હોય છે. ત્યારે (AAVA Water) ની કિંમત સામાન્ય પાણી કરતાં અનેક ગણી વધારે કેમ છે, તે સવાલ સ્વાભાવિક રીતે ઉભો થાય છે.

કંપની પોતાની વેબસાઇટ પર પાણીની ગુણવત્તા અને તેના કુદરતી સ્ત્રોત અંગે વિશેષ દાવા કરે છે.

તારંગા પર્વત સાથે AAVA Waterનું કનેક્શન

કંપનીના જણાવ્યા અનુસાર તેનું કેચમેન્ટ એરિયા અરવલ્લી પર્વતમાળામાં આવેલા તારંગા વિસ્તારમાં સ્થિત છે. કંપનીનો દાવો છે કે અહીંનું પાણી કુદરતી રીતે ભૂગર્ભ જળસ્તરો સુધી પહોંચવા માટે 20 વર્ષથી વધુ સમયની પ્રક્રિયામાંથી પસાર થાય છે.

કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવે છે કે પાણી કાંપ અને માટીના વિવિધ સ્તરોમાંથી કુદરતી રીતે ગળાઈને ભૂગર્ભ જળસ્તર સુધી પહોંચે છે. તેના કારણે તેમાં કુદરતી ખનીજો અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોવાનો તથા તેનું pH 8 હોવાનો કંપનીનો દાવો છે.

આ દાવાઓને કારણે જ (AAVA Water)  ના સ્ત્રોત અને તેની વાસ્તવિક પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે.

તારંગામાં નહીં, અમદાવાદમાં છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તારંગામાં નથી. કંપનીનો પ્લાન્ટ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં એરપોર્ટ નજીક આવેલો છે.

આ મુદ્દો મહત્વનો એટલા માટે છે કે કંપની પોતાના પાણીના સ્ત્રોતને તારંગા અને અરવલ્લી સાથે જોડે છે. બીજી તરફ પાણીનું બોટલિંગ અમદાવાદમાં થાય છે.

આથી સવાલ થાય છે કે તારંગામાંથી ભૂગર્ભજળ અમદાવાદ સુધી કેવી રીતે પહોંચે છે અને પાણીના મૂળ સ્ત્રોત અંગે કંપનીનો દાવો કયા વૈજ્ઞાનિક આધાર પર છે?

સાબરમતી નદી નજીક પ્લાન્ટ હોવાનો પણ મુદ્દો

પ્લાન્ટ સાબરમતી નદીથી આશરે 500 મીટરના અંતરે હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થળ તપાસ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણીના નિકાલને લઈને પણ સવાલો ઊભા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સંજોગોમાં પ્લાન્ટના બોરવેલમાં મળતા પાણીની ગુણવત્તા અને તેના વાસ્તવિક સ્ત્રોત અંગે વૈજ્ઞાનિક તપાસ જરૂરી બને છે.

જોકે, માત્ર સ્થળની નજીક નદી હોવાના આધારે પાણીના સ્ત્રોત અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. તેના માટે હાઇડ્રોજિયોલોજિકલ અને વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે.

ભૂગર્ભજળના ઉપયોગને લઈને કંપની સામે કાર્યવાહીનો મામલો

સરકારી રેકોર્ડમાં કંપની( AAVA) ના નામે નહીં પરંતુ શિલ્પ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નોંધાયેલી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્ષ 2023માં કંપની દ્વારા નિયમો કરતાં વધુ ભૂગર્ભજળ કાઢવામાં આવ્યું હોવાના મુદ્દે (CGWA) એટલે કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીનું ધ્યાન ગયું હતું. આ મામલે જરૂરી દસ્તાવેજો અને ચાર્જ અંગે કંપનીને સૂચનાઓ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે.

રિપોર્ટ મુજબ ત્યારબાદ કંપનીની અરજી રદ કરવામાં આવી હતી અને (NOC) વિના ભૂગર્ભજળ કાઢવામાં આવે તો કાર્યવાહી થઈ શકે તેવી સૂચના આપવામાં આવી હતી.

કેસને VIP ગણાવી દિલ્હી લેવલે બેઠકો થયાનો દાવો

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભા ચૂંટણી બાદ આ મામલે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. CGWA દ્વારા જળ શક્તિ મંત્રાલયને મોકલવામાં આવેલા ઇમેલમાં કંપનીના કેસની સ્થિતિનો ઉલ્લેખ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર કંપનીના કેસને ‘VIP કેસ’ તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટેટસ નોટ મંત્રાલયને મોકલવામાં આવી હતી.

આ અંગે સત્તાવાર સ્પષ્ટતા મેળવવા માટે જળ શક્તિ મંત્રાલય અને (CGWA) ને પ્રશ્નો મોકલવામાં આવ્યા હોવા છતાં જવાબ મળ્યો ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

કંપનીના CEOએ આરોપોને ફગાવ્યા

કંપનીના (CEO) શિરોય મહેતાએ કંપનીનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે કે (AAVA) ગુજરાતની એવી કંપની છે જેની પાસે નેચરલ મિનરલ વોટરનું લાઇસન્સ છે.

તેમણે કંપનીના પ્લાન્ટની આસપાસ ગ્રીનબેલ્ટ હોવાનો ઉલ્લેખ કરીને પાણીની ગુણવત્તા સારી હોવાનો દાવો કર્યો હતો.

NOC રદ થવાના મામલે તેમણે આ વાત પોતાના ધ્યાનમાં પહેલીવાર આવી હોવાનું કહી આરોપોને ફગાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય RO પ્લાન્ટમાં પાણીના રિજેક્શનની સમસ્યા હોય છે, જ્યારે તેમની પ્રક્રિયામાં પાણીનો બગાડ થતો નથી.

FSSAIના નિયમો અંગે પણ સવાલ

નેચરલ મિનરલ વોટર માટે પાણીના સ્ત્રોત, પેકિંગ અને તેના નામકરણ અંગે ચોક્કસ નિયમો લાગુ પડે છે. તેમાં કુદરતી સ્ત્રોત, પ્રદૂષણથી સુરક્ષિત વિસ્તાર અને સ્ત્રોતની નજીક પેકિંગ જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ છે.

કોઈ સ્થળનું નામ બ્રાન્ડ અથવા ટ્રેડ નામમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે પાણી ખરેખર તે સ્થળેથી મેળવવામાં આવ્યું છે કે નહીં, તે બાબત પણ મહત્વ ધરાવે છે.

આથી તારંગાના નામ સાથે જોડાયેલા AAVA Water ના દાવાની વૈજ્ઞાનિક અને નિયમનકારી રીતે ચકાસણી મહત્વની બની જાય છે.

પાણીના ટેસ્ટ રિપોર્ટમાં pH 7.6 મળ્યું

રિપોર્ટ મુજબ કંપનીની વેબસાઇટ પર પાણીનું pH 8 હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં કરવામાં આવેલા ટેસ્ટમાં પાણીનું pH 7.6 આવ્યું હોવાનું જણાવાયું છે.

pH 7થી વધુ હોય તો પાણી આલ્કલાઇન કેટેગરીમાં આવે છે. જોકે, પાણી ખરેખર તારંગા હિલ્સમાંથી આવ્યું છે કે નહીં તેની તપાસ AMCની લેબોરેટરીમાં શક્ય ન હોવાનું જણાવાયું હતું.

આથી પાણીની ગુણવત્તા ઉપરાંત તેના મૂળ સ્ત્રોત અંગે પણ અલગ પ્રકારની વૈજ્ઞાનિક તપાસની જરૂરિયાત ઊભી થાય છે.

સરકારી કચેરીઓમાં મોંઘા પાણીની ખરીદીનો સવાલ

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણીપંચની ઓફિસથી લઈને ગાંધીનગર સચિવાલયના વિવિધ વિભાગોમાં AAVA જેવી ખાનગી કંપનીનું મોંઘું પાણી ખરીદવામાં આવે છે.

બીજી તરફ સચિવાલયમાં મહિલાઓ દ્વારા સંચાલિત ‘સખી નીર’ કાચની બોટલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ઘટાડીને ‘સખી નીર’નો ઉપયોગ વધારવાની પહેલ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગોમાં ખાનગી કંપનીઓની પાણીની બોટલોની ખરીદી વધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ‘સખી નીર’ સાથે સંકળાયેલી મહિલાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે.

આ સમગ્ર મામલે મુખ્ય સવાલ એ છે કે જો સરકારી કચેરીઓમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિકલ્પોને પ્રોત્સાહન આપવાની નીતિ છે, તો પછી લાખો રૂપિયાના ખર્ચે મોંઘા ખાનગી બ્રાન્ડના પાણીની ખરીદી કેમ થાય છે?

આ સાથે AAVA Water ના તારંગા સાથેના કનેક્શન, પાણીના વાસ્તવિક સ્ત્રોત, ભૂગર્ભજળના ઉપયોગ અને સરકારી કચેરીઓમાં તેની ખરીદી અંગેના તમામ દાવાઓની સત્તાવાર અને વૈજ્ઞાનિક તપાસ થાય તે પણ જરૂરી બની જાય છે.


આ પણ વાંચો:SIRમાં મતદારોના ડેટાની તપાસ કયા સોફ્ટવેરથી થઈ? RTIમાં ચૂંટણી પંચનો જવાબ ચર્ચામાં

આ પણ વાંચો:રાજીવ ગાંધી ભવન પાસે ABVPનું વિરોધ પ્રદર્શન: પોલીસ સાથે ઘર્ષણ, SIR મુદ્દે કોંગ્રેસ સામે મોરચો

આ પણ વાંચો:SIR વિરુદ્ધ આજે દેશવ્યાપી પ્રદર્શન, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ; દિલ્હી પોલીસ એલર્ટ