Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ (Gujarat Congress )માં આંતરિક હલચલ તેજ બની છે. હાર માટે જવાબદાર કોણ અને હવે આગળ શું, તે મુદ્દે કોંગ્રેસમાં સતત બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ના પ્રતિનિધિમંડળે દિલ્હી પહોંચીને કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી હોવાની ચર્ચા છે.પાર્ટીના સૂત્રો મુજબ, કોંગ્રેસ હવે સંગઠનમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ખાસ કરીને યુવા ચહેરાઓને આગળ લાવવાની અને જૂના માળખામાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે.
અમિત ચાવડા સિવાય આખું સંગઠન બદલાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતાં કોંગ્રેસ સંગઠનમાં ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્દાઓ પર નવી નિમણૂક થઈ શકે છે. પક્ષમાં યુવા વર્ગને વધુ મહત્વ આપવાની સાથે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે. કોંગ્રેસમાં એવી પણ ચર્ચા છે કે જે લોકોએ ચૂંટણીમાં નબળી કામગીરી કરી અથવા સંગઠનની છબી ખરાબ કરી, તેમને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
બિનહરીફ બેઠકો મુદ્દે જિલ્લા પ્રમુખો પાસે જવાબ માંગાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો બિનહરીફ જતા કોંગ્રેસ (Gujarat Congress)માં અસંતોષ જોવા મળ્યો હતો. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે જિલ્લા પ્રમુખો પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.ખાસ કરીને ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોને કોની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. કેટલાક જિલ્લા પ્રમુખોએ પણ પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ કોંગ્રેસ (Gujarat Congress)માં કડક પગલાં શરૂ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ (Sonal Patel)એ કડક પગલાં લેવાની શરૂઆત કરી છે.પક્ષ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડનાર, ફોર્મ પરત ખેંચનાર અથવા વ્યક્તિગત પ્રચાર કરનાર નેતાઓને શો-કોઝ નોટિસ પાઠવવાની તૈયારી ચાલી રહી છે. ઉપરાંત ચૂંટણી દરમિયાન નબળી કામગીરીના આક્ષેપ હેઠળ 6 વોર્ડ પ્રમુખોને પદમુક્ત કરવામાં આવ્યા છે.આ નિર્ણય બાદ કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો અને કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપમાં ખુલ્લો બળાપો ઠાલવ્યો હતો.
ઉમાકાંત માંકડ અને મકસૂદ મિર્ઝા સસ્પેન્ડ
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં વધુ એક મોટો રાજકીય ધડાકો ત્યારે થયો જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ હેઠળ વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ અને સુરતના નેતા મકસૂદ બેગ મિર્ઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.કોંગ્રેસ શિસ્ત સમિતિએ બંને નેતાઓ સામે સોશિયલ મીડિયા પર પક્ષના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
સુરતમાં જૂથવાદ ખુલ્લો પડ્યો
સુરત શહેર કોંગ્રેસમાં જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. એક જ દિવસે અને એક જ સમયે શહેરમાં બે અલગ અલગ કાર્યક્રમો યોજાતા આંતરિક મતભેદો ફરી ચર્ચામાં આવ્યા છે.એક તરફ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (Indravijay Singh Gohil)ની આગેવાનીમાં સંમેલન યોજાયું હતું, જ્યારે બીજી તરફ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.જોકે કોંગ્રેસના નેતાઓ જાહેરમાં જૂથવાદ નકારી રહ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસ સામે હવે મોટો પડકાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ કોંગ્રેસ (Gujarat Congress) હવે સંગઠનને ફરી મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી હવે આંતરિક અસંતોષ દૂર કરીને નવા માળખા સાથે આગળ વધવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની નવી રણનીતિ , 50 % બેઠકો પર નવા ચહેરાને તક આપશે
આ પણ વાંચો:જિલ્લાઓમાં ભાજપનો જય જયકાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 પટેલ પાવરની ગેરહાજરીથી કોંગ્રેસ દિશાવિહીન
