New Delhi News : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક (NEET Paper Leak)કેસમાં CBIએ વધુ એક મોટી કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના લાતુર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટરના સ્થાપક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તપાસ એજન્સી મુજબ, આરોપી લીક થયેલા પ્રશ્નપત્રના પ્રસાર અને ગેંગના સંચાલનમાં સક્રિય રીતે સંડોવાયેલો હતો.
CBIના અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સાંજે થયેલી દરોડાની કાર્યવાહી દરમિયાન મોટેગાંવકરના વ્યક્તિગત મોબાઇલ ફોનમાંથી 3 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાનું લીક (NEET Paper Leak)કે થયેલું પ્રશ્નપત્ર મળ્યું હતું. હવે ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે જેથી ડિલીટ કરાયેલ ડેટા પણ પુનઃપ્રાપ્ત કરી શકાય.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને પરીક્ષાના લગભગ 10 દિવસ પહેલાં, એટલે કે 23 એપ્રિલે જ પ્રશ્નપત્ર અને જવાબો મળી ગયા હતા. CBIના દાવા મુજબ, મોટેગાંવકર સંગઠિત ગેંગનો સક્રિય સભ્ય હતો અને અન્ય આરોપીઓ સાથે મળીને ઉમેદવારો સુધી પ્રશ્નપત્ર પહોંચાડતો હતો.
એજન્સી મુજબ, લીક થયેલા પ્રશ્નો અને જવાબો હસ્તલિખિત નોંધોના રૂપમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ આ નોટ્સ નષ્ટ કરી દેવામાં આવતી હતી જેથી કોઈ પુરાવો ન રહે.

આ કેસમાં અગાઉ રસાયણશાસ્ત્રના લેક્ચરર પી.વી. કુલકર્ણી અને જીવવિજ્ઞાનના લેક્ચરર મનીષા માંધારેની પણ ધરપકડ થઈ ચૂકી છે. બંને આરોપીઓ મહિલા આરોપી મનીષા વાઘમારે મારફતે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસ અનુસાર, ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવતા હતા અને તેમને ખાસ સત્રોમાં લીક થયેલા પ્રશ્નો લખાવવામાં આવતા હતા, જે બાદમાં મૂળ NEET પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું બહાર આવ્યું.
NEET Paper Leak કેસ હવે લાતુરથી નાંદેડ સુધી વિસ્તર્યો હોવાનું સામે આવ્યું છે. એક વાલીએ પોતાની પુત્રી માટે પાંચ લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર ખરીદ્યો હોવાનો આરોપ છે. CBIએ તે વ્યક્તિને પુણે કચેરીમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આરોપી મનીષા માંધારેને 14 દિવસની CBI કસ્ટડીમાં મોકલી છે. CBIનું માનવું છે કે માંધારે NEET બાયોલોજી પેપર લીક કૌભાંડમાં મુખ્ય કાવતરાખોરોમાંથી એક છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે NEET-UG પરીક્ષા દેશના 551 શહેરો અને 14 વિદેશી કેન્દ્રોમાં લેવામાં આવી હતી. આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. પરીક્ષા યોજાયા બાદ 7 મેના રોજ NTAને ગેરરીતિ અંગે માહિતી મળી હતી, ત્યારબાદ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપાયો હતો.
