Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી છે. જેમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા મજબુત બનાવવા માટે આરોપીઓ વિરૂધ્ધ કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. પોલીસેઆરોપીઓને પાસા અને તડીપાર કરવા સાથે તેમના ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત કરી દીધી છે. બીજીતરફ પોલીસ કમિશનર જી. એસ. મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે 10થી 12 વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાંચમાં અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને તબક્કાવાર બોલાવીને તેમની પુછપરછ કરવામાં આવતી હતી, તે હવે ફરીથી શરૂ કરાશે.
ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તે આરોપીઓને સારી રીતે ઓળખી શકતા હતા. પરિણામે ગુનેગારોને કાબુમાં રાખવામાં સફળતા મળતી હતી. જેથી આ ટ્રેડીશનલ પોલીસિંગ સિસ્ટમને પરત લાવીને હવે દર રવિવારે ક્રાઈમ બ્રાંચમાં આરોપીઓને બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અનુસંધાનમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં બનેલી વસ્ત્રાલની ઘટનાને પગલે પોલીસ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમા પહેલીવાર આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહીના ભાગરૂપે આરોપીઓની ગેરકાયદે મિલકતો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
સાથે સાથે પાસા અને તડીપારની કાર્યવાહી હેઠળ અનેક અસામાજિક તત્ત્વોને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે 23મી માર્ચે ક્રાઈમ બ્રાંચની વિઝીટ લીધી હતી. જ્યાં અમદાવાદમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 353 જેટલા આરોપીઓને બોલાવીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાયદાનું પાલન કરવા માટે સૂચના આપી હતી અને ગુનાની પ્રવૃતિથી દૂર રહેવા માટે તાકીદ કરી હતી. જે પૈકી 300 આરોપીઓ પાસાના સજા કાપી ચૂક્યા છે.
આ અગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે, ‘અગાઉ 10 થી 12 વર્ષ પહેલા તે ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે દર રવિવારે નિયમ હતો કે વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને અલગ અલગ ગ્રૂપમાં બોલાવીને તેમની કાયદાની મર્યાદામાં રહેવાની સુચના આપવામાં આવતી હતી. આરોપીઓને ક્રાઈમ બ્રાંચમાં બોલાવવામાં આવતા કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તેને ઓળખી શકતા હતા. પરિણામે કોઈ ગુનાહિત પ્રવૃતિ સમયે આરોપીઓ સુધી આસાનીથી પહોંચી શકાતુ હતું.
જો કે આ પદ્ધતિ બંધ થઇ ગઈ હતી. પરંતુ, હવે ટ્રેડીશનલ પોલીસિંગને ફરીથી શરૂ કરવામાં આવશે. જે અનુસંધાનમાં આ રવિવાર (23મી માર્ચ)થી ક્રાઈમ બ્રાંચમાં આરોપીઓને બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.’ડીજીપી વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર ગુજરાત પોલીસને તેમના શહેર અને જિલ્લાના આરોપીઓની યાદી તૈયાર કરવાની સુચના આપી હતી. ત્યારે અમદાવાદ પોલીસે 1481 આરોપીઓની યાદી તૈયાર કરી હતી. જેમાં બુટલેગર, જુગાર, વાહનચોરી, મોબાઈલ સ્નેચીંગ, ચેઇન સ્નેચીંગ સહિતના ગુનામાં સંડવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ