Junagadh News : જૂનાગઢના 8 યુવાનોએ વિદેશ જઈને રૂપિયા કમાવાના સપના જોયા હતા, પરંતુ તેમના આ સપનાઓ ત્યાં જ રોળાઈ ગયા જ્યારે 3 એજન્ટોએ તેમની સાથે છેતરપિંડી કરી. આ યુવાનોએ આલ્બેનિયા જવા માટે પ્રત્યેક પાંચ-પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેમને મુંબઈ અને બેંગલોરમાં રઝળપાટ સિવાય કશું જ મળ્યું નથી.
આ યુવાનોએ આરોપ લગાવ્યો છે કે કરિયર પ્લેસમેન્ટ કન્સલ્ટન્સીના નિહાર જાની, કેશુભાઈ કેશવાલા અને મનોજ નામના 3 એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. એજન્ટોએ તેમને આલ્બેનિયા મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓએ તેમને મુંબઈમાં 15 દિવસ સુધી રઝળાવ્યા બાદ બેંગલોરથી મલેશિયા અને પછી આલ્બેનિયા મોકલવાની વાત કરી હતી. જો કે, બેંગલોર એરપોર્ટ પર જ એજન્ટોની છેતરપિંડીનો ભાંડો ફૂટી ગયો હતો.
યુવાનોનું કહેવું છે કે એજન્ટોએ તેમને આપેલી રિટર્ન ટિકિટ અને વિઝા બંને નકલી હતા. આ ઉપરાંત, તેમને આપવામાં આવેલા ઓફર લેટરમાં પણ 30 ફેબ્રુઆરીની તારીખ હતી, જે શક્ય નથી. આ ઘટનાથી નિરાશ થયેલા યુવાનો હવે આપઘાત કરવાનું વિચારી રહ્યા છે. તેમણે તેમના ઘરના દાગીના ગીરવે મૂકીને અને વ્યાજે પૈસા લઈને એજન્ટોને આપ્યા હતા. હવે તેમની પાસે ખાવા-પીવાના પણ પૈસા નથી.
આ સમગ્ર મામલે જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. યુવાનોએ એજન્ટો સાથેના તમામ વ્યવહારોના વીડિયો અને ઓડિયો પુરાવા પણ પોલીસને આપ્યા છે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી