Ahmedabad News/ પાર્સલમાં મોંઘા iPhone હોવાની ખબર પડી ને બનાવી ચોરીની યોજના, આખરે પોલીસના હાથે ઝડપાયો

Ahmedabad 14 iPhone Theft: પુણેથી અમદાવાદ મોકલાયેલા રૂ.10.70 લાખના 14 iPhone લક્ઝરી બસમાંથી ચોરી કરવાના કેસમાં રામોલ પોલીસ અને ઝોન-8 LCBએ બે આરોપીની ધરપકડ કરી છે. ચોરાયેલા મોબાઈલમાંથી એક ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરાયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad 14 iPhone Theft: 10.70 લાખના 14 iPhoneની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી પોલીસ પકડમાં

Ahmedabad News: અમદાવાદમાં લક્ઝરી બસ મારફતે મોકલવામાં આવેલા રૂ.10.70 લાખની કિંમતના 14 iPhoneની ચોરીનો ભેદ રામોલ પોલીસ અને ઝોન-8 LCBની ટીમે ઉકેલી (Ahmedabad 14 iPhone Theft) લીધો છે. સમગ્ર ઘટનામાં પોલીસે ચોરી કરનાર આરોપી ગજેન્દ્રસિંહ રાજપૂત અને ચોરીના મોબાઈલ ખરીદનાર મોહસીનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચોરી કરાયેલા 14માંથી એક iPhone આરોપીએ ઉદયપુરમાં પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કર્યો હતો, જ્યારે બાકીના મોબાઈલ અમદાવાદમાં વેચી દેવામાં આવ્યા હતા. બાદમાં મોબાઈલ ખરીદનાર મોહસીને આ iPhone દુબઈમાં વેચી દીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પુણેથી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા 14 iPhone

મહારાષ્ટ્રના પુણેમાં મોબાઈલની દુકાન ધરાવતા સુરેશ ઠાકોરે 15 ઓગસ્ટના રોજ અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં ‘સલમાન એસએસ ટ્રેડર્સ’ નામથી મોબાઈલનો વેપાર કરતા સલમાન માટે 14 iPhone પાર્સલ મારફતે મોકલ્યા હતા. મોંઘા મોબાઈલને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે તમામ iPhone એક બોક્સમાં પેક કરીને લક્ઝરી બસ મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

પાર્સલ અમદાવાદ પહોંચ્યા બાદ CTM પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસેથી બોક્સ મેળવી લેવાનું હતું. જોકે, જ્યારે અમદાવાદના વેપારી પાર્સલ લેવા માટે ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યા ત્યારે બોક્સ તો ત્યાં હાજર હતું, પરંતુ બોક્સની અંદર રહેલા 14 મોંઘા iPhone ગાયબ હતા.

CCTV તપાસતા એક શખસની હિલચાલ શંકાસ્પદ લાગી

મોબાઈલ પાર્સલમાંથી iPhone ગાયબ થઈ જતા સમગ્ર મામલે બસના ડ્રાઈવર તથા બસમાં લાગેલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. CCTV ફૂટેજમાં છેલ્લી સીટ પર (iPhone Theft Case) બેઠેલો એક શખસ પાર્સલ પોતાની સીટ તરફ લઈ જતો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ આ શખસ ખાલી બોક્સ પરત મૂકી દેતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રામોલ પોલીસ અને ઝોન-8 LCBની ટીમે CCTV ફૂટેજ તથા અન્ય માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.

Ahmedabad 14 iPhone Theft: ‘બોક્સમાં iPhone છે’ એટલું સાંભળતા જ ચોરીનો પ્લાન

પોલીસ તપાસમાં 32 વર્ષીય ગજેન્દ્રસિંહ રાજપૂતનું નામ સામે આવ્યું હતું. ગજેન્દ્રસિંહે ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તે પુણેમાં એક મેડિકલ સ્ટોરમાં આશરે રૂ.25 હજારના પગાર પર નોકરી કરતો હતો અને મૂળ હિંમતનગરમાં રહેતા પોતાના માતા-પિતાને મળવા માટે પુણેથી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, મુસાફરી દરમિયાન મસાલો ખાધા બાદ તે થૂંકવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન 14 iPhoneનું પાર્સલ બસમાં પહોંચાડવા આવેલા વેપારીએ ડ્રાઈવરને બોક્સમાં મોંઘાદાટ iPhone હોવાની વાત કહી હતી અને પાર્સલ સાચવીને લઈ જવા જણાવ્યું હતું.

આ વાત ગજેન્દ્રસિંહે સાંભળી હતી. મોંઘા iPhone હોવાની જાણ થતાં તેણે પાર્સલમાંથી મોબાઈલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ તેણે તક જોઈને પાર્સલ પોતાની સીટ તરફ લઈ જઈ બોક્સમાંથી iPhone કાઢી લીધા હતા અને ખાલી પાર્સલ પરત મૂકી દીધું હતું.

ચોરી બાદ ઉદયપુરના રિસોર્ટમાં ગર્લફ્રેન્ડ સાથે રોકાયો

ચોરી કર્યા બાદ ગજેન્દ્રસિંહે 14 iPhoneમાંથી એક મોબાઈલ પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ તે ઉદયપુરના એક મોંઘા રિસોર્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રોકાયો હતો.ચોરીનો ભેદ ન ઉકેલાય અને પોલીસથી બચી શકાય તે માટે આરોપીએ પોતાની હિલચાલ પણ બદલાવી હતી. તે રાજસ્થાનના સુમેરપુર ગામમાં આવેલા જંગલ વિસ્તાર નજીક પોતાના સંબંધીના ઘરે રોકાયો હતો.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગજેન્દ્રસિંહે પોલીસ તેને ટ્રેક ન કરી શકે તે માટે પોતાનું ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. સામાન્ય મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાને બદલે તે માત્ર ડોંગલ મારફતે ઇન્ટરનેટ ચલાવતો હતો. લોકો સાથે સંપર્ક કરવા માટે પણ તે મુખ્યત્વે WhatsApp કોલનો ઉપયોગ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

રાજસ્થાનના જંગલ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો

પોલીસને આરોપી અંગે ચોક્કસ માહિતી મળતાં ટીમે રાજસ્થાનમાં તેના સંબંધીના ઘરે તપાસ હાથ ધરી હતી. અંતે ગજેન્દ્રસિંહ રાજપૂતને ત્યાંથી ઝડપી (Gajendrasinh Rajput Arrested) લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક Samsung Fold-3, એક iPhone 17 Pro Max મોબાઈલ અને રોકડા રૂ.8,500 સહિત કુલ રૂ.2,28,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયો હતો

ગજેન્દ્રસિંહની પૂછપરછ અને પોલીસ રેકોર્ડની તપાસ દરમિયાન તેની સામે અગાઉ હિંમતનગરમાં POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

14 iPhone અમદાવાદના મોહસીનને વેચ્યા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ગજેન્દ્રસિંહે લક્ઝરી બસમાંથી ચોરેલા 14 iPhone અમદાવાદના મોહસીન નામના વ્યક્તિને વેચી દીધા હતા. ચોરીના મોબાઈલ ખરીદ્યા બાદ મોહસીને આ iPhone દુબઈમાં વેચી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ માહિતી સામે આવ્યા બાદ રામોલ પોલીસે ચોરીના iPhone ખરીદનાર મોહસીનની પણ ધરપકડ કરી છે. હવે પોલીસ ચોરીના મોબાઈલ કઈ રીતે અમદાવાદથી દુબઈ પહોંચ્યા, તેને કોને વેચવામાં આવ્યા અને આ સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.

એક વાત સાંભળી અને લાખોની ચોરી કરી

આ સમગ્ર ઘટનામાં આરોપી ગજેન્દ્રસિંહે લક્ઝરી બસમાં (Luxury Bus Theft) માત્ર એટલું સાંભળ્યું હતું કે પાર્સલમાં મોંઘાદાટ iPhone છે. આ માહિતી મળ્યા બાદ તેણે તકનો લાભ લઈ પાર્સલમાંથી 14 મોબાઈલ ચોરી લીધા હતા. ચોરી બાદ તેણે પોલીસથી બચવા માટે સ્થળ બદલ્યું, ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત કર્યો અને ચોરીના મોબાઈલ વેચી દીધા હતા. જોકે, રામોલ પોલીસ અને ઝોન-8 LCBની ટીમની તપાસના અંતે સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો અને બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો: Blinkitના સ્ટોરમાં Food & Drug વિભાગની રેડ, ખાદ્ય સામગ્રીની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંક્યા

આ પણ વાંચો: બોટાદમાં લાખોનો દારૂ ઝડપાયો, ઢસા PIને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

આ પણ વાંચો: જયપુરના પરીક્ષા કેન્દ્રમા વીજળી અને ટેકનિકલ સમસ્યાને કારણે પરીક્ષા રદ, નવી તારીખ જાહેર કરી