jaipur news/ જયપુરના પરીક્ષા કેન્દ્રમા વીજળી અને ટેકનિકલ સમસ્યાને કારણે પરીક્ષા રદ, નવી તારીખ જાહેર કરી

NEET-PG Exam: NEET-PG 2026માં મોટો વિક્ષેપ: જયપુરના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા રદ, જાણો ક્યારે લેવાશે પરિક્ષા

Top Stories Gujarat
NEET-PG Exam

NEET-PG Exam: જયપુરના ION ડિજિટલ ઝોન, સીતાપુરા કેન્દ્ર પર વીજળી અને ટેકનિકલ સમસ્યાને કારણે પરીક્ષા દરમિયાન વારંવાર વિક્ષેપ પડ્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ બાદ NBEMSએ પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરી છે.

NEET-PG 2026ની પરીક્ષા દરમિયાન જયપુરના એક પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. જયપુરના સીતાપુરા સ્થિત ION ડિજિટલ ઝોનમાં પરીક્ષા શરૂ થયા બાદ વારંવાર સિસ્ટમ બંધ થઈ જતાં ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિ વણસતાં નેશનલ બોર્ડ ઓફ મેડિકલ સાયન્સિસ (NBEMS)એ આ કેન્દ્ર પરની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

પરીક્ષા શરૂ થયા બાદ વારંવાર સિસ્ટમ બંધ

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, પરીક્ષા સવારે 9 વાગ્યે શરૂ થવાની હતી. પરીક્ષા શરૂ થયા બાદ પ્રથમ બે કલાકમાં જ સિસ્ટમમાં અનેક વખત વિક્ષેપ આવ્યો હતો. ઉમેદવારોનો દાવો છે કે કમ્પ્યુટર સિસ્ટમ લગભગ 10 વખત બંધ થઈ હતી.

સિસ્ટમ ફરી શરૂ થયા બાદ પણ કેટલાક કમ્પ્યુટરમાં માત્ર ત્રણથી ચાર પ્રશ્નો જ દેખાતા હતા. જેના કારણે ઉમેદવારોમાં ભારે મૂંઝવણ સર્જાઈ હતી.

ટેકનિકલ સમસ્યાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ

વિદ્યાર્થીઓનો આરોપ છે કે વારંવાર સિસ્ટમ બંધ થવા છતાં પરીક્ષા કેન્દ્રના સ્ટાફ દ્વારા યોગ્ય ટેકનિકલ કારણ જણાવવામાં આવ્યું ન હતું. આ મુદ્દે ઉમેદવારોએ વિરોધ શરૂ કર્યો હતો.

વિદ્યાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમણે પરીક્ષા દરમિયાન અનેક વખત સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાની અને ફોન કરવાની માંગ કરી હતી, પરંતુ તેમની ફરિયાદો પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

હવે 5 સપ્ટેમ્બરે ફરી પરીક્ષા

વધતા હોબાળા અને પરીક્ષા દરમિયાન સર્જાયેલી ટેકનિકલ સમસ્યાને પગલે NBEMSએ જયપુરના આ કેન્દ્ર પરની NEET-PG 2026ની પરીક્ષા મુલતવી રાખી છે.

અસરગ્રસ્ત ઉમેદવારો માટે હવે 5 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 3 વાગ્યાથી ફરી પરીક્ષા લેવામાં આવશે. NBEMS દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્ર અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ઉમેદવારોને શું કરવું?

અસરગ્રસ્ત ઉમેદવારોએ NBEMSની આગામી સૂચનાની રાહ જોવી પડશે. નવા પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાને લગતી અન્ય મહત્વપૂર્ણ વિગતો બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:  NEET-PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ પર મુકવામાં આવશે

આ પણ વાંચો: કારકિર્દીનું જોખમ ન લઈ શકાય,SC એ NEET-PG પરીક્ષા મુલતવી રાખવાનો ઇનકાર કર્યો

આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થિનીને NEET PG પરીક્ષામાં પ્રવેશ ન મળતાં માતા બેભાન