Niger Coup Attempt: પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરમાં શનિવારે સૈન્ય બળવાના પ્રયાસની ઘટનાથી રાજધાની નિયામેમાં ભારે અફરાતફરી સર્જાઈ. સૈન્યના એક જૂથે પોતાના વરિષ્ઠ અધિકારીઓ સામે બળવો કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન રાજધાનીના કેટલાક મહત્વના વિસ્તારોમાં ગોળીબાર થયો અને વિસ્ફોટના અવાજો પણ સંભળાયા.
મહત્વના સૈન્ય ઠેકાણા પર બની ઘટના
મળતી માહિતી પ્રમાણે, બળવાખોર સૈનિકોએ નિયામેના ડિયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલા સૈન્ય ઠેકાણા ‘બેઝ 101’ને નિશાન બનાવ્યું હતું. કેટલાક અધિકારીઓને બંધક બનાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શનિવારે વહેલી સવાર સુધી ગોળીબારના અવાજો સંભળાતા રહ્યા. એરપોર્ટ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન અને સરકારી સંસ્થાઓ આવેલા વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હોવાની માહિતી સામે આવી હતી.

સૈન્ય સરકારે કહ્યું- પરિસ્થિતિ કાબૂમાં
નાઇજરના(Niger) સંરક્ષણ મંત્રી જનરલ સલીફૂ મોદીએ જણાવ્યું કે કેટલાક સૈનિકોએ સૈન્ય ઠેકાણામાં બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળોએ સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. હાલ એરપોર્ટ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શહેર તરફ જતા મુખ્ય માર્ગોમાંથી એકને પણ બંધ કરવામાં આવ્યો છે. સત્તાધીશોએ નાગરિકોને શાંતિ જાળવવા અને એકતામાં રહેવાની અપીલ કરી છે.
2023ના સૈન્ય સત્તાપલટા બાદ પડકારો વધ્યા
નાઇજરમાં(Niger) વર્ષ 2023માં સૈન્ય સત્તાપલટા બાદ સૈન્ય સરકાર સત્તામાં છે. જનરલ અબ્દુર્રહમાન ત્ચિયાનીના નેતૃત્વ હેઠળ નાઇજરે પશ્ચિમી દેશો સાથેના ઘણા સુરક્ષા સંબંધો ઘટાડીને રશિયા સાથે નજીકના સંબંધો બનાવ્યા છે. પરંતુ સરકાર સામે સુરક્ષા અને આર્થિક બંને મોરચે મુશ્કેલીઓ યથાવત છે. દેશના અનેક વિસ્તારોમાં જિહાદી સંગઠનોના હુમલા ચાલુ છે.
સૈન્ય સરકાર માટે વધુ એક મોટો પડકાર
નિયામેનું આ એરપોર્ટ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. અહીં નાઇજરની(Niger ) વાયુસેનાનું બેઝ હોવા ઉપરાંત નાઇજર, માલી અને બુર્કિના ફાસોની સંયુક્ત સૈન્ય વ્યવસ્થાનું મુખ્યાલય પણ હોવાનું જણાવાય છે. આ ઘટનાએ નાઇજરની સૈન્ય સરકાર માટે આંતરિક સુરક્ષા કેટલી મોટી ચિંતા બની રહી છે તે ફરી એકવાર સામે લાવી દીધું છે. એક તરફ જિહાદી હુમલાઓનો પડકાર છે અને બીજી તરફ સૈન્યની અંદરથી જ અસંતોષના સંકેતો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: નેપાળમાં પ્રિન્સિપાલની સમયસર સમજદારીએ1,643 બાળકોને પૂરના મોતના મોંમાંથી બચાવ્યા
આ પણ વાંચો: નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ
આ પણ વાંચો: સ્પેનના સેઉટામાં પ્રવાસીઓના કેમ્પમાં આગથી તણાવ, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
