AMC Anganwadi Renovation 2026: અમદાવાદ શહેરના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટું અભિયાન છેડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ 2026” હેઠળ અમદાવાદની 386 આંગણવાડીઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
Anganwadi : પાયાનું શિક્ષણ હવે બનશે રસપ્રદ
આ ઝુંબેશનો મુખ્ય હેતુ માત્ર આંગણવાડીઓની મરામત કરવાનો નથી, પરંતુ બાળકોને અભ્યાસ પ્રત્યે આકર્ષિત કરવાનો છે. આ માટે ખાસ ‘BaLA’ (Building as Learning Aid) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં આંગણવાડીની દીવાલો પર ગણિતના અંકો, બારખડી અને આકર્ષક કુદરતી દ્રશ્યો ચિતરવામાં આવશે, જેથી બાળકો રમત-ગમતની સાથે પાયાનું જ્ઞાન મેળવી શકે.

AMC ના 17 ઘટકોમાં નવીનીકરણનો પ્રારંભ
અમદાવાદમાં હાલમાં આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ કુલ 2128 આંગણવાડીઓ કાર્યરત છે. જે પૈકી AMC હસ્તકની 618 આંગણવાડીઓમાંથી પ્રથમ તબક્કે 386 કેન્દ્રોને હાઈટેક બનાવવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટની સાથે સાથે AMC ના ઇજનેર વિભાગનું બજેટ અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડનો પણ સમન્વય કરવામાં આવ્યો છે.
કુપોષણ અને બાળ મૃત્યુદર ઘટાડવા પર ભાર
નવીનીકરણ પામેલી આ આંગણવાડીઓમાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ આરોગ્ય અને પોષણના સ્તરને સુધારવા પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરક પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રો પાયાની ભૂમિકા ભજવશે. AMC ના ઇજનેર અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શહેરીજનોને અર્પણ કરવામાં આવશે.
