Ahmedabad News/ સિંધુ ભવન રોડના સિટી સ્ક્વેરની કિંમત રૂ.1,200 કરોડને પાર જવાની ચર્ચા, AMCના પ્રોજેક્ટ સામે સવાલો

Ahmedabad City Square: સિંધુ ભવન રોડ પરના અમદાવાદ સિટી સ્ક્વેર પ્રોજેક્ટનો ખર્ચ રૂ.570 કરોડ જાહેર થયો છે, પરંતુ ટેન્ડર અને જમીનની કિંમત સહિતના અંદાજને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad City Square: ₹570 કરોડના પ્રોજેક્ટના ખર્ચ સામે ઊઠ્યા સવાલ, BIG CONTROVERSY

Ahmedabad News: અમદાવાદના સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવાનું આયોજન કરાયેલા સિટી સ્ક્વેર (Ahmedabad City Square) પ્રોજેક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. ટેન્ડરિંગની પ્રક્રિયા દરમિયાન જ પ્રોજેક્ટના ખર્ચ અને તેની ઉપયોગિતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. AMC દ્વારા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.570 કરોડ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ બાંધકામ ક્ષેત્રના જાણકારોના મતે ટેન્ડર પ્રક્રિયા અને જમીનની કિંમત સહિતનો ખર્ચ ગણવામાં આવે તો પ્રોજેક્ટની કુલ કિંમત ઘણી વધી શકે છે. કેટલાક અંદાજ મુજબ આ આંકડો રૂ.1,200 કરોડને પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Ahmedabad City Square: જૂના SORના કારણે ટેન્ડર ખર્ચમાં વધારો થવાની શક્યતા

સિટી સ્ક્વેર પ્રોજેક્ટના ખર્ચને લઈને મુખ્ય સવાલ ટેન્ડરિંગમાં ઉપયોગમાં લેવાતા શિડ્યુલ ઓફ રેટ્સ (SOR)ને લઈને છે. બાંધકામ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, AMC હાલમાં બાંધકામનાં કામો માટે વર્ષ 2024-25ના જૂના SORનો ઉપયોગ કરી રહ્યું છે. હાલના બજારભાવ અને જૂના દર વચ્ચેના તફાવતને કારણે મોટાભાગનાં કામો અંદાજિત કિંમત કરતાં 22થી 25 ટકા વધુ ભાવે આપવાની સ્થિતિ ઊભી (Ahmedabad Development) થાય છે.

આ ગણતરી પ્રમાણે રૂ.570 કરોડના સિટી સ્ક્વેર પ્રોજેક્ટમાં ટેન્ડર મંજૂર થતી વખતે અંદાજે રૂ.140થી 150 કરોડનો વધારો થઈ શકે છે. આથી પ્રોજેક્ટની મૂળ જાહેર કરાયેલી કિંમત અને અંતિમ ખર્ચ વચ્ચે મોટો તફાવત રહેવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે.

જમીનની કિંમત ગણતરીમાં સામેલ ન હોવાનો મુદ્દો

પ્રોજેક્ટ માટે સિંધુ ભવન રોડ પર પસંદ કરાયેલી 13,144 ચોરસ મીટર જમીનની કિંમત પણ ચર્ચાનો વિષય બની છે. આ જમીન AMCની માલિકીની હોવા છતાં તેની બજારકિંમતને પ્રોજેક્ટના કુલ ખર્ચમાં ગણવી જોઈએ, તેવી દલીલ કરવામાં આવી રહી છે.

દાવા મુજબ, સિંધુ ભવન રોડ પર AMC દ્વારા જાહેર હરાજીમાં વેચવામાં આવેલા પ્લોટનો ભાવ પ્રતિ ચોરસ મીટર આશરે રૂ.3 લાખ સુધી પહોંચ્યો હતો. આ દર પ્રમાણે સિટી સ્ક્વેર માટેની જમીનની અંદાજિત કિંમત રૂ.400 કરોડ જેટલી થાય છે.

આમ, રૂ.570 કરોડના પ્રોજેક્ટ ખર્ચમાં રૂ.140થી 150 કરોડનો સંભવિત વધારો અને જમીનની રૂ.400 કરોડની અંદાજિત કિંમત ઉમેરવામાં આવે તો કુલ આંકડો આશરે રૂ.1,110થી 1,120 કરોડ થાય છે. જોકે, પ્રોજેક્ટની કુલ કિંમત રૂ.1,200 કરોડને પાર જશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંદાજ અને ખર્ચની ગણતરી અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.

175 મીટર ઊંચા ટાવરની વ્યુ ગેલેરીમાં 75 લોકોની ક્ષમતા

સિટી સ્ક્વેર પ્રોજેક્ટમાં 175 મીટર ઊંચો ટાવર બનાવવાનું આયોજન છે. જોકે, આટલો મોટો ખર્ચ કર્યા બાદ ટાવરની વ્યુ ગેલેરીમાં એકસાથે માત્ર 75 લોકો જ ઊભા રહી શકશે તેવી માહિતી સામે આવી છે. આ મર્યાદિત ક્ષમતાને કારણે પ્રોજેક્ટનો સામાન્ય નાગરિકોને કેટલો લાભ મળશે અને તેની ઉપયોગિતા કેટલી રહેશે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

AMCના પદાધિકારીઓની જાણકારી અંગે પણ સવાલ

પ્રોજેક્ટની જાહેરાત બાદ AMCના હાલના પદાધિકારીઓને તેની વિગતોની પૂરતી જાણકારી ન હોવાની ચર્ચા પણ સામે આવી હતી. પ્રોજેક્ટ જાહેર થયાના બીજા જ દિવસે મેયરે ઇજનેરોને બોલાવીને વિગતો અંગે જવાબ માગ્યા હતા. તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પણ સભ્યોએ ઇજનેરોને પ્રોજેક્ટના ખર્ચ અને આયોજન અંગે સવાલો કર્યા હતા.

આટલી મોટી રકમના પ્રોજેક્ટ અંગે શાસકોને પૂરતી જાણકારી હતી કે નહીં, તે મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીજી તરફ, પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચની સરખામણીમાં આરોગ્ય, શિક્ષણ અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પર નાણાં ખર્ચવાની જરૂરિયાત અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત્ છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ₹570 કરોડના ખર્ચે બનશે સિટી સ્ક્વેર, 175 મીટર ઊંચા ટાવર પરથી નિહાળી શકાશે શહેરનો નજારો

આ પણ વાંચો: 31 ડિસેમ્બરે CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહન પ્રતિબંધ

આ પણ વાંચો: વીડિયો વાઈરલ :સિંધુભવન રોડ અને એસજી હાઈવે પર યુવતીઓની મારામારી અને જોખમી ડ્રાઈવિંગ