Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) નિષ્ણાત તબીબોએ વધુ એક જટિલ અને દુર્લભ કેસમાં (Rare Surgery) સફળતા મેળવી છે. પંચમહાલ જિલ્લાના 47 વર્ષીય બળવંતભાઈની શ્વાસનળીમાં આશરે દોઢ વર્ષથી ફસાયેલો દાંત અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનીકની મદદથી માત્ર બે મિનિટમાં બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું છે.
Ahmedabad Civil Hospital: દોઢ વર્ષ પહેલાં પાણી પીતી વખતે શ્વાસનળીમાં ગયો હતો દાંત

દર્દી બળવંતભાઈના જણાવ્યા મુજબ, આશરે દોઢ વર્ષ પહેલાં તેમનો એક દાંત આપોઆપ પડી ગયો હતો. તે દરમિયાન પાણી પીતી વખતે દાંત અજાણતા શ્વાસનળીમાં જતો રહ્યો હતો. શરૂઆતમાં ગંભીર લક્ષણો ન દેખાયા, પરંતુ છેલ્લા એક મહિનાથી સતત ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ વધતા તેઓ સારવાર માટે (Rare Surgery) અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) પહોંચ્યા હતા.
તપાસમાં શ્વાસનળીની શાખામાં દાંત ફસાયેલો હોવાનું સામે આવ્યું
20 જુલાઈ, 2026ના રોજ દર્દીને સિવિલ હોસ્પિટલના પલ્મોનરી મેડિસીન (Pulmonary Medicine) વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવિધ તપાસ બાદ તબીબોને જાણવા મળ્યું કે દાંત શ્વાસનળીની એક શાખામાં ઊંડે સુધી ફસાયેલો હતો, જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી.
ત્રણ વિભાગોના સંયુક્ત પ્રયાસથી સફળ સારવાર
કેસની ગંભીરતા જોતા પલ્મોનરી મેડિસીન, કાન-નાક-ગળા (ENT) અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોએ સંયુક્ત સારવાર યોજના તૈયાર કરી હતી.23 જુલાઈ, 2026ના રોજ ઓપરેશન થિયેટરમાં અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનીકનો ઉપયોગ કરીને માત્ર બે મિનિટમાં શ્વાસનળીમાંથી દાંત સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.
પુખ્ત વયના દર્દીમાં આવો કેસ અત્યંત દુર્લભ
પલ્મોનરી મેડિસીન વિભાગના વડા ડૉ. નલિન ટી. શાહે જણાવ્યું કે સામાન્ય રીતે નાના બાળકોમાં શ્વાસનળીમાં વિદેશી વસ્તુ ફસાવાના કિસ્સા જોવા મળે છે, પરંતુ 47 વર્ષના પુખ્ત વ્યક્તિમાં દોઢ વર્ષ સુધી દાંત ફસાયેલો રહેવાનો કેસ અત્યંત દુર્લભ છે.
તેમણે જણાવ્યું કે શ્વાસનળીમાં કોઈપણ વિદેશી પદાર્થ લાંબા સમય સુધી રહે તો ચેપ લાગવાની સાથે ફેફસાંને કાયમી નુકસાન પણ થઈ શકે છે. તેથી લાંબા સમયથી સતત ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ.
ટીમવર્ક અને ટેકનોલોજીથી દર્દીને મળ્યું નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ (Ahmedabad Doctors) જણાવ્યું કે પલ્મોનરી મેડિસીન, ENT અને એનેસ્થેસિયા વિભાગ વચ્ચેના સુમેળભર્યા સંકલન તથા અદ્યતન તબીબી ટેકનોલોજીના કારણે આ જટિલ પ્રક્રિયા સફળ બની હતી.
તેમણે જણાવ્યું કે કોઈપણ પ્રકારની જટિલતા વિના દર્દીને સારવારના બીજા જ દિવસે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ સફળ સારવાર પલ્મોનરી મેડિસીન વિભાગના વડા ડૉ. નલિન ટી. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.આ દુર્લભ અને સફળ સારવારથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની કુશળતા, આધુનિક સુવિધાઓ અને ટીમવર્કનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. સમયસર નિદાન અને ઝડપી સારવારના કારણે દર્દીને ગંભીર જટિલતાઓમાંથી બચાવી સંપૂર્ણ સ્વસ્થ બનાવવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 222 અંગદાતાઓના અંગદાન થકી 713 વ્યક્તિઓને મળ્યું નવજીવન..!
આ પણ વાંચો: નિર્ણાયક 9 કલાક: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી 6 જીવનને મળ્યું વરદાન
