Ahmedabad News: આગામી ગણેશ ચતુર્થીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ગણેશ પંડાલો (Ahmedabad Ganeshotsav 2026) માટે ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. ભક્તોની સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ તથા પોલીસ વિભાગ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ગણેશ પંડાલના આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તંત્રનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન આગ, નાસભાગ કે અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.
પંડાલમાં માન્ય Fire Extinguisher રાખવો ફરજિયાત
ફાયર વિભાગની ગાઇડલાઇન મુજબ દરેક ગણેશ પંડાલ (Ahmedabad Ganeshotsav 2026)માં પૂરતા પ્રમાણમાં માન્ય ફાયર એક્સટિંગ્વિશર રાખવાના રહેશે. આગ જેવી કટોકટી સર્જાય ત્યારે શરૂઆતના તબક્કે જ આગ પર કાબૂ મેળવી શકાય તે માટે આ વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે. આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું પડશે અને પંડાલની સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી તકેદારી રાખવી પડશે.
પંડાલની અંદર કાયમી પાર્ટીશન પર પ્રતિબંધ
કટોકટીની સ્થિતિમાં ભક્તોને બહાર નીકળવામાં મુશ્કેલી ન પડે તે માટે પંડાલની અંદર કાયમી અથવા ફિક્સ પાર્ટીશન બનાવવાની મનાઈ કરવામાં આવી છે. પંડાલમાં લોકોની અવરજવર માટેના તમામ રસ્તાઓ ખુલ્લા અને પૂરતા પહોળા રાખવાના રહેશે. કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
બે Emergency Exit રાખવા પડશે
ગણેશ પંડાલ (Ahmedabad Ganeshotsav 2026)માં ઓછામાં ઓછા બે ઇમર્જન્સી એક્ઝિટ ગેટ રાખવા ફરજિયાત રહેશે. મહત્વની બાબત એ છે કે બંને એક્ઝિટ ગેટ પરસ્પર વિરુદ્ધ દિશામાં રાખવાના રહેશે. આ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે કે એક તરફ કોઈ કારણસર અવરોધ સર્જાય તો ભક્તોને બીજી તરફથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનો વિકલ્પ મળી રહે. આ ઉપરાંત પંડાલના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવી છે.
₹300ના સ્ટેમ્પ પેપર પર Self Declaration આપવું પડશે
ગણેશ પંડાલ (Ahmedabad Ganeshotsav 2026)ના આયોજકો માટે માત્ર ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂરતી નથી. આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોની જરૂરી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને જરૂરી મંજૂરી તથા NOC મેળવવાની રહેશે. આયોજકોએ ₹300ના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથે નોટરી કરાવેલું Self Declaration નિયત ફોર્મેટમાં ફાયર વિભાગ સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફાયર વિભાગ તરફથી પંડાલને જરૂરી ઓળખ અથવા માન્યતા આપવામાં આવશે.
Ahmedabad Ganeshotsav 2026: ફાયર વિભાગના જાણકાર વ્યક્તિને સાથે રાખવો પડશે
દરેક ગણેશ પંડાલ (Ahmedabad Ganeshotsav 2026)ના આયોજકોએ ફાયર બ્રિગેડની કામગીરી અંગે જાણકારી ધરાવતી વ્યક્તિને પોતાની સાથે રાખવાની રહેશે. આ ઉપરાંત પંડાલમાં એક માહિતી બોર્ડ લગાવવાનું પણ ફરજિયાત રહેશે. બોર્ડ પર નીચેની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે, પંડાલના આયોજકનું નામ અને મોબાઇલ નંબર, ફાયર સેફ્ટી અંગે જાણકાર વ્યક્તિનું નામ અને નંબર, પોલીસનો ઇમર્જન્સી નંબર, ફાયર બ્રિગેડનો ઇમર્જન્સી નંબર અને એમ્બ્યુલન્સનો ઇમર્જન્સી નંબર આ માહિતી કટોકટીના સમયે ઝડપથી સંબંધિત વ્યક્તિ અથવા ઈમર્જન્સી સેવાનો સંપર્ક કરવામાં મદદરૂપ બનશે.
નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી
ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગણેશ પંડાલના આયોજકોએ જાહેર સલામતી સાથે કોઈ બાંધછોડ ન કરવી. ફાયર સેફ્ટી સહિતના નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પંડાલો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંડાલોમાં દર્શન માટે આવતા હોવાથી તંત્ર દ્વારા આગ અને અન્ય સંભવિત દુર્ઘટનાઓને રોકવા માટે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે પંડાલના આયોજકો આ તમામ નિયમોનું કેટલું પાલન કરે છે તેના પર પણ તંત્રની નજર રહેશે.
આ પણ વાંચો: ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરતાં ઉનાવાસીઓ, પંડાલમાં કર્યું હતું આવું આયોજન
