Ahmedabad News: અમદાવાદ શહેરમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Ahmedabad Heavy Rain) પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ છે. વરસાદની અસરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે શાહીબાગ અંડરબ્રિજમાં એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
Ahmedabad Heavy Rain: શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક અસરગ્રસ્ત
અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતાં જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જતા બ્રિજનો એક ભાગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.હાલ માત્ર એક તરફનો અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે.
ગુજરાત હાઇકોર્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ (Ahmedabad Heavy Rain) શરૂ થયો છે. શહેરના ગુજરાત હાઇકોર્ટ વિસ્તાર,સુભાષબ્રિજ, વાડજ ,ચાંદલોડિયા ,ગોતા , આશ્રમ રોડ અને પાલડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વિસ્તારોમાં નરોડા,હંસપુરા ,કૃષ્ણનગર ,બાપુનગર , શાહીબાગ ,એરપોર્ટ રોડ અને દિલ્હી દરવાજા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને દિવસ દરમિયાન અંધારું વાતાવરણ સર્જાયું હતું.
વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ
વરસાદ (Ahmedabad Heavy Rain)ને કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા વધી છે. વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાનું ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.તંત્ર દ્વારા વરસાદી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: 13 જિલ્લામાં હાઈ એલર્ટ, NDRF-SDRFની 50 ટીમો તૈનાત
આ પણ વાંચો:ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં સુરત જળબંબાકાર, BRTS સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ; આર્મી તૈનાત
