Ahmedabad News : અમદાવાદના નરોડા વિસ્તારમાં જમીન વિવાદને કારણે એક આધેડે આત્મહત્યા (Suicide)કરી હોવાની ઘટના સામે આવી છે. ડભોડા ગામે આવેલી 4.5 વીઘા જમીનના વેચાણ અને તેની નોંધ સામે વાંધા અરજીને લઈને ચાલી રહેલા વિવાદ (Land Dispute)થી તેઓ લાંબા સમયથી પરેશાન હતા. આ મામલે અગાઉ જમીન પર ભાગીયા તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને જમીનના મૂળ માલિકના છ વારસદારો સામે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આઠેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના કબાટમાંથી મળી આવેલી સુસાઈડ નોટ (Suicide Note) અને ભત્રીજાને મોકલવામાં આવેલા વ્હોટ્સએપ મેસેજ પણ તપાસનો ભાગ બન્યા છે.
ડભોડાની 4.5 વીઘા જમીનને લઈને વિવાદ
મળતી માહિતી મુજબ, મૃતકની ડભોડા વિસ્તારમાં 4.5 વીઘા જમીન આવેલી હતી. અગાઉ આ જમીન ખેતી માટે બે ભાગીયાઓને આપવામાં આવી હતી. જોકે, તેમનું કામ યોગ્ય ન લાગતાં તેમને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જમીનનો કેટલોક ભાગ અન્ય વ્યક્તિઓને વેચવામાં આવ્યો હતો. જ્યારે બાકીની જમીનમાંથી અગાઉ ભાગીયા તરીકે કામ કરતા એક વ્યક્તિની પત્નીને 2,866 ચોરસ મીટર જમીન વેચાણથી આપવામાં આવી હતી.
વારસદારોએ વાંધા અરજી કરતાં વિવાદ વધ્યો
જમીનના મૂળ માલિકના છ વારસદારોએ જમીનના વેચાણ સામે વાંધા અરજી કરી હતી. પરિણામે જમીનના વેચાણ સંબંધિત નોંધ પ્રમાણિત થવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. ફરિયાદ મુજબ, આ મુદ્દાને લઈને વર્ષ 2021થી બે પૂર્વ ભાગીયાઓ અને છ વારસદારો દ્વારા મૃતકને પરેશાન કરવામાં આવતા હતા. તેમને માનસિક ત્રાસ આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ભત્રીજાને વ્હોટ્સએપ મેસેજ મોકલી કેનાલમાં ઝંપલાવ્યું
સતત ચાલી રહેલા વિવાદ અને હેરાનગતિથી કંટાળીને આધેડે ગત 4 નવેમ્બરના રોજ નર્મદા કેનાલ (Narmada Canal)માં કૂદીને આત્મહત્યા (Suicide)કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પોતાના ભત્રીજાને વ્હોટ્સએપ પર મેસેજ અને કેટલાક ફોટા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. બે દિવસ બાદ એટલે કે 6 નવેમ્બરના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
કબાટમાંથી સુસાઈડ નોટ મળી, 8 સામે ફરિયાદ
ઘટના બાદ મૃતકના કબાટમાંથી સુસાઈડ નોટ (Suicide Note)મળી આવી હતી. જેમાં જમીન વિવાદ (Land Dispute)સાથે સંકળાયેલા આઠ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકીઓનો ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મૃતકના પુત્રએ પિતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police)માં બે પૂર્વ ભાગીયાઓ અને છ વારસદારો સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
