Ahmedabad News/ અમદાવાદમાં 3 લાખ લોકો પાસે ડબલ ગેસ કનેક્શન, સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ

અમદાવાદમાં અઢી થી ત્રણ લાખ LPG PNG ડબલ ગેસ કનેક્શન હોવાનો અંદાજ છે. ઘરેલું ગેસના બાટલા કોમર્શિયલમાં રિફિલ કરી 5000 રૂપિયામાં બ્લેકમાં વેચાઈ રહ્યા છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad LPG PNG Double Connection

Ahmedabad LPG PNG Double Connection: રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં રાંધણ ગેસના કનેક્શન મામલે મોટું વિસ્ફોટક તથ્ય સામે આવ્યું છે. શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા લોકો એવા છે જેઓ LPG (બાટલો) અને PNG (પાઇપલાઇન) એમ બંને જોડાણ ધરાવે છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલી રહેલા આ ડબલ કનેક્શનના ખેલને કારણે હવે ઘરેલું ગેસના બાટલાનું કોમર્શિયલ બ્લેક માર્કેટિંગ ફૂલ્યુંફાલ્યું છે.

LPG PNG ડબલ કનેક્શનનો આંકડો ચોંકાવનારો

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના 60 થી 70 ટકા વિસ્તારોમાં અત્યારે પીએનજી (PNG) લાઈન પહોંચી ગઈ છે. નિયમ મુજબ, પાઇપલાઇન કનેક્શન લીધા બાદ એલપીજી (LPG) બાટલો સરેન્ડર કરવાનો હોય છે. પરંતુ, શહેરમાં આશરે 12 થી 15 લાખ ઘરેલું એલપીજી કનેક્શન હોવા છતાં, તેમાંથી અંદાજે 3 લાખ લોકોએ હજુ સુધી બાટલા જમા કરાવ્યા નથી. સરકારના કડક આદેશો છતાં પુરવઠા વિભાગ આ મામલે મૌન સેવીને બેઠું છે.

Ahmedabad LPG PNG Double Connection

₹1250નો બાટલો ₹5000માં વેચાય છે!

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે દેશમાં એલપીજી સપ્લાય પર અસર પડી છે. સરકારે કોમર્શિયલ સિલિન્ડરના વપરાશ પર 60 ટકા સુધીનો કાપ મૂક્યો છે, જેનો ફાયદો ઉઠાવીને કાળાબજારીયાઓ ગેરકાયદે રિફિલિંગ કરી રહ્યા છે. કેટલાક તત્ત્વો ઘરેલું બાટલામાંથી ગેસ ચોરી કરીને તેને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરી રહ્યા છે. ઘરેલું બાટલામાંથી રિફિલ કરેલા ગેસની પડતર કિંમત અંદાજે ₹1250 થાય છે, પરંતુ અછતનો લાભ ઉઠાવી તેને બ્લેકમાં ₹4500 થી ₹5000માં વેચીને તોતિંગ નફો કમાઈ રહ્યા છે. આ કાળા કારોબારને કારણે સામાન્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેમના ઘરે પહોંચતા બાટલામાં ગેસનો જથ્થો ઓછો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

કોમર્શિયલ ગેસની ભારે અછત

હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા પ્રાથમિકતાના ધોરણે માત્ર હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને મંદિરોમાં જ ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ માટે ગેસની ભારે તંગી સર્જાતા બ્લેક માર્કેટિંગ કરનારા તત્ત્વો સક્રિય થયા છે. 25 દિવસના રિફિલિંગના નિયમનો સરેઆમ ભંગ કરીને ઘરેલું ગેસનો ઉપયોગ ધંધાદારી હેતુ માટે થઈ રહ્યો છે.

હવે જોવાનું એ રહે છે કે, શું પુરવઠા વિભાગ આ 3 લાખ ડબલ કનેક્શન ધારકો સામે લાલ આંખ કરશે? કે પછી ગેસનો આ કાળો કારોબાર આમ જ ધમધમતો રહેશે?


આ પણ વાંચો: LPGની અછત દૂર થશે, ભારતે અમેરિકા પાસેથી176,000 ટન ગેસની કરી ખરીદી

આ પણ વાંચો: યુદ્ધથી ક્રૂડ મોંઘું: પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધી શકે

આ પણ વાંચો: મોંઘો થશે ગેસ! ઓસ્ટ્રેલિયા ગેસ નિકાસ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં, વૈશ્વિક બજારમાં કિંમતો વધવાની ભીતિ.