Ahmedabad Narol Student Suicide: “માર્કશીટનો એક કાગળ ક્યારેય તમારી જિંદગી કરતા મોટો હોઈ શકે નહીં…” આ વાક્ય આપણે અવારનવાર સાંભળીએ છીએ, પરંતુ પરીક્ષાના પરિણામનું માનસિક દબાણ ક્યારેક કુમળા માનસ પર એટલું હાવી થઈ જાય છે કે જિંદગીનો દોર જ કપાઈ જાય છે. ગુજરાત બોર્ડના ધોરણ-12ના પરિણામ જાહેર થયા બાદ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એક એવી જ હૃદયદ્રાવક અને આંખમાં આંસુ લાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થિનીએ અપેક્ષા કરતા ઓછા ટકા આવવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
Ahmedabad : શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, આ દુઃખદ ઘટના નારોલના ગંગોત્રી નગર વિસ્તારમાં આવેલા ઉમંગ ફ્લેટમાં બની હતી. ગઈકાલે (4 મે) બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. આ વિદ્યાર્થિનીએ પણ પરીક્ષા આપી હતી, પરંતુ રિઝલ્ટ જોતા તેને પોતાની અપેક્ષા કરતા ઓછા ટકા આવ્યા હોવાનું જણાયું હતું. આ વાતથી તે માનસિક રીતે એટલી હદે ભાંગી પડી કે, સાંજે પાંચથી છ વાગ્યાના અરસામાં તેણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને અંતિમ શ્વાસ લીધા.
પિતાએ ઠપકો ન આપ્યો, છતાં મનમાં લાગી આવ્યું
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ રડાવે તેવી વાત એ છે કે, દીકરીનું પરિણામ ઓછું આવ્યું હોવા છતાં તેના પિતા કે પરિવારે તેને કોઈ જ ઠપકો આપ્યો ન હતો. પરિવારે તેને કશું જ કહ્યું ન હતું, પરંતુ દીકરીને પોતાના ઓછા માર્ક્સ અંદરથી એટલા કોરી ખાતા હતા કે તેણે કોઈને કશું જ કહ્યા વિના મૌન રહીને આ આઘાતજનક પગલું ભરી લીધું.
નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. તેજસ્વી કારકિર્દીના ઉંબરે ઉભેલી એક આશાસ્પદ યુવતીના આવા અકાળ અને કરુણ અંતથી સમગ્ર વિસ્તારમાં અને શિક્ષણ જગતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
બોર્ડના પરિણામની સ્થિતિ
ગત 4 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે.
એક નાનકડો સંદેશ: માર્ક્સ એ માત્ર એક આંકડો છે, તમારી ક્ષમતાનું અંતિમ પ્રમાણપત્ર નથી. નિષ્ફળતા એ સફળતાની સીડી છે, જીવનનો અંત નહીં.
