Ahmedabad News : અમદાવાદમાં નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા આપઘાત (Suicide)ની ઘટનાએ ચકચાર મચાવી છે. SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જ્યંતિભાઈ પરમારે 24 માર્ચે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં પોતાની બોલેરો પીકઅપમાં ઝેર પી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતકના ભાઈ નરેશ પરમારે પત્ની કૈલાસબેન, દીકરા મનોજ પરમાર અને સાળી ઉષા પરમાર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, જ્યંતિભાઈ વર્ષ 2020માં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા બાદ શરૂઆતમાં પરિવાર સાથે સારી રીતે રહેતા હતા. તેમણે બંને દીકરાઓ માટે અલગ-અલગ ફ્લેટ પણ ખરીદ્યા હતા.
પરંતુ વર્ષ 2022 પછી પરિવારના વર્તનમાં ફેરફાર આવ્યો હતો. પત્ની, દીકરો અને સાળી મળીને જ્યંતિભાઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. દીકરો મનોજ દારૂના નશામાં આવીને મારઝૂડ કરતો હતો, જ્યારે પત્ની જમવાનું આપતી નહોતી અને વારંવાર ઘરમાંથી કાઢી મુકતી હતી. વધુમાં, પેન્શનની રકમ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું.
આ સતત ત્રાસથી કંટાળી જ્યંતિભાઈ છેલ્લા થોડા સમયથી ભાઈ અને અન્ય સગાઓ પાસે રહેતા હતા. ઘટનાના બે દિવસ પહેલાં તેમણે સ્યુસાઇડ નોટ લખી હતી અને અંતે ચાંદલોડિયામાં બોલેરો પીકઅપમાં બેસીને ઝેર પી આત્મહત્યા(Suicide) કરી લીધી હતી.
સોલા પોલીસએ આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
