Nayara Energy Petrol Diesel Price Hike: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઈરાન યુદ્ધની અસર હવે ભારતીય બજારમાં દેખાવા લાગી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી તેલ કંપની ‘નયારા એનર્જી’ (Nayara Energy) એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.

ગુજરાતમાં Nayara પંપ પર નવા ભાવ
નયારા એનર્જી દ્વારા કરવામાં આવેલા વધારા બાદ ગુજરાતમાં ભાવની સ્થિતિ જોઈએ તો, પેટ્રોલ ₹5 પ્રતિ લિટર મોંઘું થતા હવે નવો ભાવ ₹99.34 થયો છે અને ડીઝલ ₹3 પ્રતિ લિટર વધતા હવે નવો ભાવ ₹92.90 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક ટેક્સ અને વેટના આધારે આ વધારો ₹5.30 સુધી પણ જોવા મળ્યો છે. નયારાના દેશભરમાં આશરે ૭ હજાર પેટ્રોલ પંપ છે.
સરકારી કંપનીઓ અને કેન્દ્ર સરકારનું વલણ
રાહતની વાત એ છે કે અત્યાર સુધી IOCL, HP અને BP જેવી સરકારી તેલ કંપનીઓએ સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે અને હાલમાં ઈંધણની કોઈ અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. જોકે, ગયા અઠવાડિયે પ્રીમિયમ પેટ્રોલ અને બલ્ક ડીઝલના ભાવમાં મોટો વધારો પહેલાથી જ કરી દેવામાં આવ્યો છે.

યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ ₹100 ને પાર
ક્રૂડ ઓઇલ મોંઘું થવાનું મુખ્ય કારણ ઈરાન પર થયેલા સૈન્ય હુમલાઓ છે. 28 ફેબ્રુઆરી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 50% જેટલો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ જે પહેલા 70 ડોલર હતું, તે હવે 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે.
