Ahmedabad Police Transfer: અમદાવાદ શહેરના પોલીસ વિભાગમાં લાંબા સમયથી જેની અટકળો ચાલી રહી હતી તે પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI) ની બદલીનો ઓર્ડર આખરે બહાર પડી ગયો છે. શહેરમાં 60 થી વધુ PI ની બદલી અને નવા પોસ્ટિંગના આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 50 થી વધુ નવા PI ને પણ પોસ્ટિંગ ફાળવવામાં આવ્યા છે. આ મેગા શફલિંગની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેમાં કોઈ જ રાજકીય વગ કે વહીવટદારોની ભલામણ ચાલી નથી.
અમદાવાદ Policeમાં મેગા ઓપરેશન
ભૂતકાળમાં જ્યારે પણ પોલીસ બેડામાં બદલીઓ થતી, ત્યારે રાજકીય નેતાઓ અને વહીવટદારોનો દબદબો જોવા મળતો હતો. પરંતુ આ વખતે પોલીસ કમિશનર કચેરીએ અત્યંત કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારની ભલામણ લઈને આવનારને સ્પષ્ટપણે ‘સોરી’ કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદાર કે વચેટિયાનું ‘સેટિંગ’ આ વખતે પાર પડ્યું નથી, જેના કારણે આવા લોકોની સ્થિતિ કફોડી બની છે.
કામગીરી અને CR બન્યા મુખ્ય આધાર
આ બદલી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી છે. અધિકારીઓને પોસ્ટિંગ આપવા માટે ખાસ માપદંડો નક્કી કરાયા હતા. જેમાં અધિકારીની અગાઉની કામગીરી (ટ્રેક રેકોર્ડ), તેમને મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાન તેમની વર્તણૂકને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો. દરેક અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ (CR) બારીકાઈથી ચકાસ્યા બાદ જ યોગ્યતાના ધોરણે નિષ્પક્ષ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
વિવાદિત અને નબળી કામગીરી વાળા અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ
એવા પોલીસ ઇન્સ્પેક્ટર્સ જેઓ અગાઉ કોઈ વિવાદમાં સપડાયા હોય અથવા જેમની કામગીરી સંતોષકારક ન રહી હોય, તેમને પણ આ વખતે આકરો મેસેજ આપવામાં આવ્યો છે. આવા અધિકારીઓને મહત્વના પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવાના બદલે ટ્રાફિક વિભાગ અથવા પોલીસ કંટ્રોલ રૂમ જેવા ‘સાઈડ પોસ્ટિંગ’ ફાળવી દેવામાં આવ્યા છે.
મહત્વના વિસ્તારોને મળ્યા કાયમી PI
શહેરના નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા અત્યંત સંવેદનશીલ અને મહત્વના પોલીસ મથકો છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ PI ના ભરોસે જ ચાલી રહ્યા હતા. આ નવા ઓર્ડર સાથે જ આ તમામ પોલીસ મથકોને કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર મળી ગયા છે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
પ્રમાણિક અધિકારીઓના મનોબળમાં વધારો
અગાઉ વચેટિયાઓ પોતાની મરજીના અધિકારીઓને ચોક્કસ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાવતા હતા, જેને કારણે ફરજ પરના અધિકારીઓએ પણ તેમની મરજી મુજબ કામ કરવું પડતું હતું. આ દૂષણથી પોલીસ ફોર્સનું મનોબળ તૂટતું હતું. પરંતુ આ વખતે વચેટિયારાજનો ખાતમો બોલાવીને માત્ર યોગ્યતા અને કામગીરીને જ આધાર બનાવવામાં આવતા, નિષ્ઠાવાન અને પ્રમાણિક પોલીસ અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


