West Bengal News/ ભાજપ પૂર્ણ બહુમતી તરફ છતાં મમતા બેનર્જી કેમ બોલ્યા ‘જીત તો અમારી જ થશે’?

પશ્ચિમ બંગાળમાં ભાજપ 191 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી Mamata Banerjeeએ ચૂંટણી પંચ પર વોટની લૂંટના ગંભીર આરોપો લગાવ્યા છે અને કાર્યકરોને અડગ રહેવા અપીલ કરી છે.

Top Stories NATIONAL India
Mamata Banerjee Statement

Mamata Banerjee Statement: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં અત્યારે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. વલણોમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. હાર સામે દેખાતી હોવા છતાં મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે જીત તેમની જ થશે અને ચૂંટણી પંચ દ્વારા વોટની લૂંટ કરવામાં આવી રહી છે.

Mamata Banerjeeનો મોટો આરોપ

પરિણામોમાં ભાજપને સ્પષ્ટ લીડ મળતા મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ચૂંટણી પંચ જાણીજોઈને મતગણતરી ધીમી કરી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઘણી જગ્યાએ ઈવીએમ મશીનો બંધ કરી દેવામાં આવ્યા છે અને ઓફિસોમાં તોડફોડ કરાઈ છે, જ્યારે TMC હજુ પણ 100 થી વધુ બેઠકો પર આગળ હોવા છતાં તે આંકડા દર્શાવવામાં આવતા નથી. મમતા બેનર્જીએ રોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અમારી પોલીસ હવે માફિયાઓના ઈશારે કામ કરી રહી છે, પરંતુ અમે હજુ પણ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ અને ટાઈગર ચાઈલ્ડની જેમ લડીશું.

ભાજપનું ઐતિહાસિક પ્રદર્શન

બંગાળના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે, જ્યાં અત્યાર સુધીના વલણો મુજબ ભાજપ 191 બેઠકો પર આગળ છે જ્યારે બહુમતી માટે માત્ર 148 બેઠકોની જરૂર હોય છે. બીજી તરફ, TMC માત્ર 97 બેઠકો પર સમેટાયેલી જોવા મળે છે. આ પરિણામોમાં બેઠકોના ફાયદા અને નુકસાનની વાત કરીએ તો, ભાજપને સીધી 114 બેઠકોનો મોટો ફાયદો થઈ રહ્યો છે, જ્યારે તેની સામે TMC ને 115 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

કાર્યકરોને અડગ રહેવા અપીલ

પોતાના કાર્યકરોનું મનોબળ વધારતા મમતા બેનર્જીએ કહ્યું કે, “કાર્યકરો આશા ન છોડે અને મતગણતરી કેન્દ્રો પર અડગ રહે. છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે, તેમાં કોઈ શંકા નથી.” મમતા બેનર્જીના આ નિવેદન બાદ બંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જો આ વલણો પરિણામોમાં ફેરવાય છે, તો બંગાળમાં 15 વર્ષથી ચાલી રહેલા મમતા શાસનનો અંત આવશે.


આ પણ વાંચોઃબંગાળ-બિહાર સહિત 11 રાજ્યોમાં આજે પેટાચૂંટણી, કેરળમાં પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

આ પણ વાંચોઃચૂંટણીના એક દિવસ પહેલા ઝારખંડમાં દરોડા, બંગાળમાં પણ ઘણી જગ્યાએ સર્ચ

આ પણ વાંચોઃકેરળ અને પશ્વિમ બંગાળની રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત,29 નવેમ્બરે મતદાન