Vadodara Hit and Run News: એક તરફ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અને હેલ્મેટને લઈને કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ બેફામ વાહનચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે, જેમાં એક વાનચાલકે દંપતીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો.
Vadodara : દંપતીને અડફેટે લેતા મચી ચીસાચીસ
ઘટનાની વિગત મુજબ, ન્યુ વીઆઈપી રોડ પર સીતારામ નગરના વાઈટ વુડાના મકાન પાસે રહેતા કનુભાઈ મારવાડી ગત 2 મેના રોજ બપોરે તેમના પત્ની સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા. હરણી પોલીસ સ્ટેશન હેઠળના બ્રહ્માનગર પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે ધસી આવેલા એક વાનચાલકે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.
કારચાલક અકસ્માત સર્જી થયો ફરાર
ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર સવાર પતિ-પત્ની બંને રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાનચાલક માનવતા નેવે મૂકીને ઉભા રહેવાને બદલે વાહન સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક દંપતીની મદદ કરી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી
આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને ફરાર વાનચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
