Ahmedabad News: અમદાવાદ રિવરફ્રન્ટ (Riverfront) લાઇન સફાઈ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અને નાગરિકોની મિલકતોને નુકસાન પહોંચ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ તરફની 11.50 કિમી લાંબી લાઇનમાં જમા થયેલો કાંપ દૂર કરવા 10.46 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વોટર કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે.
ચોમાસામાં જળબંબાકાર બાદ તંત્ર સફાળું જાગ્યું
ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં નાગરિકોને મુશ્કેલી પડી હતી અને મિલકતોને નુકસાન થયું હતું. આ સ્થિતિ બાદ હવે (AMC) સફાળું જાગ્યું છે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈનો નિર્ણય લેવાયો છે. વોટર કમિટી (Water Committee)ના ચેરમેનના જણાવ્યા મુજબ, આગામી ચોમાસા પહેલાં સફાઈ પૂર્ણ કરીને લાઇનને સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ઇન્ટરસેપ્ટર લાઇન કેમ બનાવાઈ હતી?
સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પ્રોજેક્ટ અંતર્ગત નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે ઇન્ટરસેપ્ટર લાઇન બનાવવામાં આવી હતી. અગાઉ શહેરના વિવિધ વિસ્તારોના નાળાં સીધા સાબરમતી નદીમાં ખુલતા હતા. શહેરના વિસ્તરણ અને વિકાસ સાથે આ નાળાં મારફતે ગટરનું પ્રદૂષિત પાણી પણ નદીમાં પહોંચતું હોવાની સમસ્યા ઊભી થઈ હતી. તેના ઉકેલરૂપે નદીના બંને કિનારે ડ્રેનેજ લાઇન અને (RCC) ડક્ટ નાખીને નાળાંને તેની સાથે જોડવામાં આવ્યા હતા.
રિવરફ્રન્ટની લાઇન સાફ કરવા 10.46 કરોડ ખર્ચાશે
રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કિનારે 900 થી 2200 મિમી વ્યાસની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ વ્યવસ્થા મારફતે ગટરનું પાણી ટ્રીટમેન્ટ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. પૂર્વ વિસ્તારની ઇન્ટરસેપ્ટર લાઇનમાં આવતું ગટરનું પાણી પીરાણા સ્થિત 106 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે અને ટ્રીટમેન્ટ બાદ નદીમાં છોડવામાં આવે છે.
હવે પૂર્વ તરફની લાઇનની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. શાહીબાગ ડફનાળાથી આંબેડકર બ્રિજ સુધી ફેલાયેલી 11.50 કિમી લાંબી લાઇનમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના અનેક વોર્ડનાં ડ્રેનેજ કનેક્શન જોડાયેલાં છે. લાઇનમાં જમા થયેલા કાંપ અને અન્ય અવરોધોને દૂર કરવા માટે ડિસિલ્ટીંગ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ટેન્ડર બહાર પાડ્યું
આ કામગીરી માટે (AMC)ના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ટેન્ડર બહાર પાડ્યું હતું. લાઇનની સફાઈ માટે (CCTV) ટેકનોલોજી અને હેવી મશીનરી ધરાવતા કોન્ટ્રાક્ટરની જરૂરિયાત હોવાથી આ શરતો સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં 2 કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો હતો. વાટાઘાટો બાદ એક કોન્ટ્રાક્ટરે 10.46 કરોડમાં કામગીરી કરવા તૈયારી દર્શાવી હતી, જેમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
આગામી ચોમાસામાં પાણીના નિકાલની વ્યવસ્થા બનશે અસરકારક
વોટર કમિટીના ચેરમેને જણાવ્યું કે, ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈ બાદ તેની કાર્યક્ષમતામાં વધારો થશે અને આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બનશે.
આ પણ વાંચો: સિંધુ ભવન રોડના સિટી સ્ક્વેરની કિંમત રૂ.1,200 કરોડને પાર જવાની ચર્ચા, AMCના પ્રોજેક્ટ સામે સવાલો
આ પણ વાંચો: ‘સોલાર પેનલ નહીં હોય તો BU પરમિશન નહીં’, AMCનો નવો નિયમ, સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર ફરજિયાત
આ પણ વાંચો: ક્રિસમસ કાર્નિવલની જેમ દિવાળીમાં પણ કાંકરિયા દીપોત્સવ યોજો: કોંગ્રેસની AMC સમક્ષ માંગ
